જામનગરમાં બ્રાસપાર્ટની કંપનીમાં નોકરી દરમિયાન માલિકની જાણ બહાર કર્મચારીએ રૂપિયા 73.66 લાખનો માલ વેંચી નાખ્યા બાદ બાકીના 44 લાખ નહીં ચૂકવી વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં એરફોર્સ 2 ગેઈટની પાસે સત્યમ કોલોનીમાં રહેતાં અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરતાં દિલીપભાઈ ટેકચંદભાઈ ચંદનાણી (ઉ.વ.55) નામના કારખાનેદારની કંપનીમાં પુર્વઆયોજીત કાવતરુ રચી દિવ્યરાજગીરી સુરજગીરી ગોસ્વામી નામના શખ્સે તેની નોકરી દરમિયાન ગત્ તા. 8/5/2025 થી તા.28/3/2026 સુધીના સમય દરમિયાન કારખાનામાંથી બ્રાસસ્ક્રેપ તથા ફીનીશ ગુડ માલ મળી રૂા. 73,66,358.33 નો સામાન માલિકની જાણ બહાર ચોરી કરી વેંચી નાખ્યો હતો. ત્યારબાદ ચોરી કરતા કર્મચારીને માલિકે ઝડપી લીધો હતો અને બંને વચ્ચે સમજૂતી અને કરાર કરી રૂા.44,66,358.33 ચૂકવવાનું નકકી થયું હતું તેમ છતાં દિવ્યરાજગીરીએ કંપનીના માલિકને ચોરી કરેલા માલની રકમ નહીં ચૂકવતા આખરે કારખાનેદારએ તેના કર્મચારી વિરૂધ્ધ પંચકોશી બી ડીવીઝનમાં ચોરી અને વિશ્ર્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે હેકો પી.એફ. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


