જામનગરમાં સ્ટેટ GST વિભાગ અને વિવિધ વેપારી સંગઠનો વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં વેપારીઓના વિવિધ પ્રશ્નો અંગે રચનાત્મક અને હકારાત્મક ચર્ચા થઈ. બેઠકમાં વેપારીઓ અને વિભાગ વચ્ચે પારદર્શક વહીવટ, સરળ કરપ્રક્રિયા અને બોગસ બિલિંગ સામે સંયુક્ત લડત અંગે સ્પષ્ટ સહમતીનું વાતાવરણ જોવા મળ્યું હતું.
આ બેઠકમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, જામનગર ટેક્સ બાર એસોસિએશન, ફેઝ-2 GIDC એસોસિએશન તથા ફેઝ-3 GIDC એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેટ VAT વિભાગ તરફથી સંયુક્ત રાજ્યવેરા કમિશનર ધર્મજીત યાજ્ઞિકની હાજરીમાં વેપારીઓ અને કર સલાહકારોએ પોતાના વ્યવહારુ પ્રશ્નો ખુલ્લેઆમ રજૂ કર્યા હતા. બેઠક દરમિયાન પેન્ડિંગ GST રિફંડ, મોબાઇલ સ્ક્વોડ દ્વારા જોબવર્કના માલવાહનોનું ચેકિંગ, તૃતીય અને ચોથા તબક્કાની ઇનવર્ડ સપ્લાય વેરિફિકેશન, રિકવરીની કાર્યવાહી શરૂ કરતા પહેલાં કરદાતાને યોગ્ય જાણ કરવાની પ્રક્રિયા સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી. વેપારી સંગઠનોએ વ્યવહારુ અને કાયદેસર ઉકેલ માટે વિવિધ સૂચનો પણ રજૂ કર્યા હતા. મળતી માહિતી મુજબ વેપારી સંગઠનો દ્વારા આપવામાં આવેલા અનેક સૂચનોને સ્ટેટ GST વિભાગે હકારાત્મક રીતે સ્વીકાર્યા છે અને કેટલાક સૂચનોનો અમલ પણ ટૂંક સમયમાં શરૂ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આથી વેપારી વર્ગમાં પણ આશાવાદી માહોલ જોવા મળી રહ્યો છે.
વેપારી પ્રતિનિધિઓએ બેઠકમાં સ્પષ્ટ રજૂઆત કરી હતી કે, નિયમિત અને પ્રામાણિક કરદાતાઓને કોઈપણ પ્રકારની અનાવશ્યક મુશ્કેલી ન પડે, પરંતુ બોગસ બિલિંગ અને ખોટા વ્યવહારો કરનાર તત્વો સામે કડક અને નિર્ભય કાર્યવાહી થવી જોઈએ. આ મુદ્દે વિભાગે પણ સકારાત્મક અભિગમ દર્શાવ્યો હોવાનું જાણવા મળે છે.
View this post on Instagram
સ્ટેટ GST વિભાગે બેઠક દરમિયાન સ્પષ્ટ કર્યું હોવાનું સૂત્રો જણાવે છે કે, Ease of Doing Business અને Good Governance ના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને સામાન્ય કરદાતાને સરળ, પારદર્શક અને જવાબદાર વહીવટ આપવામાં આવશે. વેપારીઓને કોઈપણ વહીવટી અથવા તકનિકી પ્રશ્ન હોય તો તેઓ સીધા અથવા તેમના પ્રતિનિધિ મારફત જામનગર સ્ટેટ GST કચેરીનો સંપર્ક કરી શકે છે અને તેમના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે વિભાગ પ્રતિબદ્ધ છે. સૂત્રોના જણાવ્યા મુજબ વિભાગનો મુખ્ય ભાર બોગસ બિલિંગના વધતા જાળાને સંપૂર્ણપણે નાબૂદ કરવા પર છે. આ માટે Zero Tolerance Policy સાથે કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે. વિભાગનો સ્પષ્ટ સંદેશ રહ્યો કે સાચા કરદાતાને સંપૂર્ણ સહયોગ મળશે, પરંતુ બોગસ બિલિંગ કરનારાઓ સામે કોઈપણ પ્રકારની નરમાઈ રાખવામાં આવશે નહીં.
બેઠક પૂર્ણ થયા બાદ સંયુક્ત રાજ્યવેરા કમિશનર અને જામનગર સ્ટેટ GST વિભાગના અધિકારીઓ વચ્ચે અલગથી ગોપનીય ચર્ચા પણ યોજાઈ હોવાનું જાણવા મળે છે. આ બેઠક બાદ જામનગર સહિત આસપાસના વિસ્તારોમાં બોગસ બિલિંગના નેટવર્ક સામે મોટા પાયે કાર્યવાહી શરૂ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બજારમાં પણ એવી ચર્ચા ચાલી રહી છે કે સંભવિત કાર્યવાહીથી બોગસ બિલિંગ સાથે સંકળાયેલા ઓપરેટરોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં સ્ટેટ GST વિભાગ વધુ સક્રિય બનશે અને બોગસ બિલિંગ સામે વિશેષ અભિયાન હાથ ધરશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
બેઠક દરમિયાન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક મહત્વપૂર્ણ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. બોગસ બિલિંગ કરનારાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે અનેક વખત સાચા અને નિયમિત કરદાતાઓને પણ, વાસ્તવિક ખરીદી હોવા છતાં, કાયદાકીય નોટિસોનો સામનો કરવો પડે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં પ્રામાણિક વેપારીઓને અનાવશ્યક મુશ્કેલી ન પડે તે માટે ચેમ્બર ઓફ કોમર્સે વિશેષ રજૂઆત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ GST વિભાગે આ બાબતે વેપારી સંગઠનો પાસેથી વ્યવહારુ સૂચનો પણ મંગાવ્યા છે. બીજી તરફ વેપારી સંગઠનોએ પણ જામનગર સ્ટેટ GST વિભાગની છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી વહીવટી કામગીરી, વેપારીઓ સાથેનો સંવાદાત્મક અભિગમ અને પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટેના પ્રયાસોની પ્રશંસા કરી હોવાનું જાણવા મળે છે. બંને પક્ષોએ આવી સંવાદાત્મક બેઠકો નિયમિત યોજાતી રહે તેવી જરૂરિયાત વ્યક્ત કરી હતી, જેને વિભાગે પણ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હોવાનું સૂત્રો જણાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન જામનગર સ્ટેટ GST વિભાગ દ્વારા બોગસ બિલિંગ અને શંકાસ્પદ વેપાર પ્રવૃત્તિઓ સામે સતત અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ દરમિયાન મોટા પ્રમાણમાં બોગસ GST નોંધણીઓ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જાણકાર વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂા.500 કરોડથી વધુની શંકાસ્પદ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) સાથે સંકળાયેલી નોંધણીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ સમગ્ર બેઠકનો મુખ્ય સંદેશ સ્પષ્ટ રહ્યો હતો કે, સાચા કરદાતાને સન્માન અને સહયોગ, જ્યારે બોગસ બિલિંગ સામે કડક અને નિર્દય કાર્યવાહી. વેપારીઓ અને સ્ટેટ GST વિભાગ વચ્ચેનો આ રચનાત્મક સંવાદ આગામી સમયમાં વધુ સરળ કરવહીવટ અને પારદર્શક વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.


