કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર ગામે રહેતાં યુવાનને અગ્નિવીરની પરિક્ષા પાસ કરાવવાની લાલચ આપી ત્રણ શખ્સોએ રૂા. 84 હજારની રકમ પડાવી લઇ છેતરપિંડી આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે ઉઠવા પામી છે.
આ બનાવની મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર ગામે રહેતા દિવ્યેશભાઈ દુલાભાઈ ગોરાણીયા (ઉ.વ. 21) નામના યુવાનને આર્મીમાં ભરતી થવું હોય અને આર્મી માટે મહત્વની એવી અગ્નિવીરની મેડિકલ પરીક્ષામાં પાસ થવું અનિવાર્ય હોવાથી તેમને કેટલાક શખ્સોનો ભેટો થયો હતો.
દરમ્યાન આ યુવાનને અગ્નિવીર આર્મીની મેડિકલ પરીક્ષામાં પાસ કરાવી આપવાનું કહી અને રાજસ્થાન રાજ્યના શિકર વિસ્તારમાં રહેતા નરેશકુમાર રાનવા અને નવરંગ રાનવા સાથે અને જુનાગઢ ખાતે રહેતા રાહુલ જાગરા નામના ત્રણ શખ્સોનો સંપર્ક થયો હતો. આ આરોપીઓએ દિવ્યેશભાઈને ઉપરોક્ત પરીક્ષામાં પાસ કરાવી આપવાનું કહી યેનકેન રીતે રૂ. 84 હજારની રકમ પડાવી લીધી હોવાનું જાહેર થયું છે.
આ બનાવની જાણના આધારે કલ્યાણપુર પોલીસે ત્રણ શખ્સો સામે છેતરપિંડી તથા વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


