ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામે રહેતા અને છૂટક શાકભાજીનો વેપાર કરતા કેશુ છગન આણંદભાઈ રાઠોડ નામના 69 વર્ષના વૃદ્ધના દ્વારા પોતાના કબજાના મંદિરના પટાંગણમાં કોઈ માદક પદાર્થનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સલાયા મરીન પોલીસ સ્ટાફને ધ્યાને આવ્યું હતું.
આને અનુલક્ષીને પી.આઈ. જે.એમ. ચાવડાના વડપણ હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા આ સ્થળે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમિયાન ઉપરોક્ત શખ્સ દ્વારા ગાંજાના છોડનું વાવેતર કરી અને આ ગાંજાની ચુકવણી કરી, વેચાણ કરવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે 317 ગ્રામના ગાંજાના બે છોડ તથા 12 ગ્રામ સૂકો ગાંજો મળી, કુલ રૂપિયા 16,450 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યાર બાદ આ શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી અહીંના ડીવાયએસપી મિત રુદલાલના વડપણ હેઠળ સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. જે.એમ. ચાવડા તથા સ્ટાફના ઓમદેવસિંહ જાડેજા, પીઠાભાઈ જોગલ અને વિપુલભાઈ ડાંગરની ટીમ દ્વારા કરવામાં આવી હતી.


