જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા કારખાનેદારે વેપારીઓ પાસેથી રૂા. 4.44 કરોડનું પેમેન્ટ મેળવી બ્રાસનો માલ ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી કારખાનું તથા ઘરને તાળું મારી નાસી ગયેલા કારખાનેદાર વિરૂદ્ધ પોલીસે વધુ એક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં શિવમ્ પાર્ક, શેરી નંબર 6, પ્લોટ નંબર 95/3, રે.સ.નં. 21/P માં આવેલા એ. એમ. મેટલ ઇન્ડસ્ટ્રીઝ નામના બ્રાસપાર્ટના વેપારી આનંદ લીલાભાઇ મોઢવાડિયા નામના કારખાનેદારએ પૂર્વઆયોજિત કાવતરું રચી જામનગરના જુદા જુદા વેપારીઓને વિશ્ર્વાસમાં લીધાં હતાં અને નીતિનભાઇ રમેશભાઇ મેનપરા નામના વેપારી સાથેના વેપાર પેટે રૂા. 2,04,50,723ની રકમ બાકી નીકળતી હતી. તેમજ જિતેન્દ્રભાઇ ગોવિંદભાઇ ડોબરિયા પાસેથી રૂા. 25 લાખ એડવાન્સ લીધાં હતાં. ઉપરાંત દિનેશભાઇ વેજાણંદભાઇ કનારા નામના વેપારીને આનંદ પાસે રૂપિયા 2,14,50,981ની રકમ આપવાની બાકી રહેતી હતી. આમ, ચાર વેપારીઓને ચૂકવવાની કુલ રૂા. 4,44,01,104ની રકમ એ. એમ. મેટલ ઇન્ડસ્ટ્રીઝના આનંદ મોઢવાડિયાએ ચૂકવી ન હતી.
ત્યારબાદ આ વેપારીઓ દ્વારા આનંદ પાસે બાકી નીકળતા રૂપિયાની અવારનવાર ઉઘરાણી કરવામાં આવતી હતી. તેમ છતાં આનંદ રૂપિયા ચૂકવતો ન હતો અને પૂર્વ આયોજિત કાવતરું આચરી કારખાનું અને ઘરને તાળું મારી ગામ મૂકી પલાયન થઇ ગયો હતો. આ બનાવમાં નીતિનભાઇ દ્વારા આનંદ મોઢવાડિયા વિરૂદ્ધ પંચકોષી ‘બી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીઆઇ વી. જે. રાઠોડ તથા સ્ટાફે રૂા. 4.44 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધી આનંદની શોધખોળ આરંભી હતી.


