જામનગર જિલ્લાના સાપર સબ ડિવિઝનના નાયબ ઇજનેર વત્તી 80 હજારની લાંચ લેતાં આસિસ્ટન્ટ લાઇનમેન સહિત બન્નેને જામનગર એસીબીની ટીમે મોટી ખાવડીમાંથી ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની વિગત અનુસાર જામનગર જિલ્લા સહિત સમગ્ર દેશમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતાં અચકાતા નથી. સરકારી કર્મચારીઓને જંગી પગાર મળતો હોવા છતાં ભ્રષ્ટાચાર આચરવામાં કોઇની શેહશરમ રાખતા નથી. અવારનવાર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતાં રંગેહાથ ઝડપાતા હોય છે. તેમ છતાં અધિકારીઓના મનમાં કોઇ ભય રહેતો નથી અને બેખૌફ લાંચની માંગણી કરતા હોય છે. દરમ્યાન જામનગર જિલ્લાના સાપર સબ ડિવિઝનમાં જાગૃત નાગરિ દ્વારા ગેસ્ટ હાઉસ માટે વીજ લોડ વધારવા તથા નવા વીજ કનેકશનની અરજી કરી હોય આ અરજી સંદર્ભે ઘણા સમયથી કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. તેથી જાગૃત નાગરિક પાસે નવું ટીસી ફિટ કરી અને નવું મીટર લગાવી આપવાના અવેજ પેટે સાપર સબ ડિવિઝનના નાયબ ઇજનેર ઋષિ દિનેશચંદ્ર પરમાર દ્વારા એક લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. આ લાંચની રકમ પેટે રકઝક બાદ 80 હજારની લાંચ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
આ લાંચની રકમ જાગૃત નાગરિક આપવા ન માંગતો હોય તેથી તેણે જામનગર એસીબીમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ સંદર્ભે રાજકોટ એસીબી નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાની સૂચનાથી મદદનિશ નિયામક જે. ડી. મેવાડાના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી પીઆઇ એ. આર. ગોહિલ તથા સ્ટાફએ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી ગામમાં નાગાર્જુન પેટ્રોલ પંપ સામે છટકું ગોઠવ્યું હતું. આ છટકામાં જાગૃત નાગરિક પાસેથી નાયબ ઇજનેર ઋષિ પરમાર વત્તી લાંચ લેવા આવેલા સાપર સબ ડિવિઝનના આસિ. લાઇનમેન મનોજ ડુંગારામ પ્રજાપતિ (ઉ.વ.43) નામના કર્મચારીએ જાગૃત નાગરિક પાસેથી લાંચ સબબ વાતચીત કરી 80 હજારની લાંચ સ્વીકારી હતી. ત્યારબાદ એસીબીની ટીમે મનોજને 80 હજારની લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી લઇ સાપર સબ ડિવિઝન કચેરીમાંથી નાયબ ઇજનેર ઋષિ દિનેશચંદ્ર પરમાર (ઉ.વ.42) નામના ક્લાસ વન અધિકારી સહિત બન્નેની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


