જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ નજીક બે સપ્તાહ પૂર્વે 112 જનરક્ષક વાહનમાં રહેલાં પોલીસકર્મીઓને લોખંડનું ધારિયું બતાવ્યા બાદ પોલીસ જીપ રવાના થયાના વાયરલ વિડિયો બાદ પોલીસ વિભાગ દ્વારા સિટી ‘બી’ ડિવિઝનમાં ફરજ બજાવતા ચાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસબેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ નજીક બે સપ્તાહ પૂર્વે 112 જનરક્ષકને મળેલા કોલ મુજબ પોલીસ વાહન સ્થળ પર પહોંચી ગયું હતું. જ્યાં ધારિયા સાથે રોડ પર રહેલા શખ્સે 112 જનરક્ષક પોલીસમાં બેસેલા પોલીસકર્મીઓને ધારિયું બતાવી બોલાચાલી કરતો હોવાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ વિડિયોના કારણે પોલીસની આબરૂના ધજાગરા ઉડયા હતાં. આ બનાવ બાદ ધારિયું બતાવનાર શખ્સ સહિતના બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ બન્નેની ધરપકડ કરાઇ હતી. પરંતુ આ બનાવમાં ફરજમાં બેદરકારી દાખવનાર પોલીસ કર્મચારીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા.
ગુજરાત સરકાર દ્વારા 112 જનરક્ષક હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રજાની સેવા માટેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા હેઠળ ફાયર, પોલીસ અને હોસ્પિટલ ત્રણેય માટે સંયુક્ત એકજ નંબર હેઠળ આવરી લેવામાં આવી છે અને આ સેવા નાગરિકોને તાત્કાલિક મદદ મળે તે માટેનું ઉદેશ છે. પરંતુ જામનગરમાં બનેલી ઘટનામાં ફરજમાં બેદરકારી દાખવનાર સિટી ‘બી’ ડિવિઝનમાં ફરજ બજાવતા એએસઆઇ વિજય છગનભાઇ હળવદિયા, પો.કો. કિશોરભાઇ નરસીભાઇ ચુડાસમા, રઇશબાબા ગુલામહુશેન મલેક અને શાકીરાબેન યુનુસભાઇ નોયડા નામના ચાર પોલીસ કર્મચારીને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા કડક પગલાં લઇ સસ્પેન્ડ કરી દેવાતા પોલીસબેડામાં ફફડાટ ફેલાઇ ગયો છે.


