Tuesday, May 26, 2026
Homeરાજ્યજામનગરજામનગરના છઠ્ઠા મહિલા મેયર બન્યા મોનિકા વ્યાસ

જામનગરના છઠ્ઠા મહિલા મેયર બન્યા મોનિકા વ્યાસ

એક મહિનાના લાંબા અંતરાલ બાદ જામ્યુકોના નવા પદાધિકારીઓના નામની જાહેરાત : ડેપ્યુટી મેયર પદે રાકેશ ડેર, સ્થાયી સમિતિના ચેરમેનની જવાબદારી ધીરેન મોનાણીને સોંપવામાં આવી : બોર્ડમાં સત્તાપક્ષના નેતા તરીકે અમર મોદી અને દંડક તરીકે પ્રવિણાબેન રૂપડિયાના નામની જાહેરાત : સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં સંગઠન પ્રભારી ધનસુખ ભંડેરીએ પદાધિકારીઓના નામોની કરી ઔપચારિક ઘોષણા

જામનગરના મેયર તરીકે ભાજપા દ્વારા મોનિકા વ્યાસના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ડે.મેયર તરીકે રાકેશ ડેરનું નામ જાહેર થયું હતું. આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નં.9ના કોર્પોરેટર ધીરેન મોનાણીની પસંદગી કરવામાં આવી છે. જયારે સતાપક્ષના નેતા તરીકે અમર મોદી અને દંડક તરીકે પ્રવિણાબેન રૂપડિયાના નામની જાહેરાત પણ કરવામાં આવી હતી.

- Advertisement -

બપોરે 12 વાગ્યે યોજાયેલ જામનગર મહાનગરપાલિકાની વિશેષ સામાન્ય સભામાં મેયર અને ડે.મેયરની વરણી કરવામાં આવી હતી. મોનિકા વ્યાસ જામનગર શહેરના છઠ્ઠા મહિલા મેયર બન્યા છે.

તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકો માટે ચુંટણી યોજાઇ હતી. જેમાં એક બેઠક બિનહરીફ થયા સહિત કુલ 60 બેઠકો ઉપર ભાજપાએ ભવ્ય વિજય મેળવી ઇતિહાસ રચ્યો હતો. જામનગરમાં એકમાત્ર વોર્ડ નં.12 સિવાયના તમામ વોર્ડમાં ભાજપાના ઉમેદવારોની પેનલે વિજય મેળવ્યો હતો. 64 પૈકી 60 બેઠકો કબ્જે કર્યા બાદ જામનગરમાં કોણ બનશે મેયરની આતૂરતાનો આજે અંત આવ્યો હતો. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લગભગ એકાદ માસ જેટલા સમયગાળા બાદ જામનગર મહાનગર પાલિકાને નવા પદાધિકારીઓ મળ્યા છે. ભાજપાની પરંપરા અનુસાર આ વખતે અંતિમ ઘડી સુધી મેયરના નામને લઇ સસ્પેન્સ જળવાયું હતું. આજે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. તે પૂર્વે ભાજપા દ્વારા મેયર, ડે.મેયર અને સ્ટે.કમિટીના સભ્યોના નામો જાહેર કરાયા હતાં. ત્યારબાદ સ્ટે.કમિટીની બેઠક યોજાઇ તેમાં ચેરમેન નિયુકત થયા હતાં.

- Advertisement -

જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રભારી ધનસુખ ભંડેરીએ જામનગર મહાનગર પાલિકાના મેયર, ડે.મેયર અને સ્ટે.કમિટીના સભ્યોના નામો જાહેર કર્યા હતાં અને જામનગર ભાજપના ચૂંટાયેલા તમામ 60 કોર્પોરેટરોને વ્હીપ આપવામાં આવ્યું હતું. જે અનુસાર સામાન્ય સભામાં ભાજપાના ઉમેદવારોને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. જામનગરના મેયર તરીકે ભાજપા દ્વારા મોનિકાબેન વ્યાસની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ ડે.મેયર તરીકે રાકેશ ડેર, સ્ટે.કમિટી ચેરમેન ધીરેન મોનાણીના નામની વરણી કરવામાં આવી હતી. આ નવનિયુકત હોદેદારોના નામની જાહેરાત થતાં શહેર ભાજપ કાર્યાલયે અગ્રણીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતાં. આ હોદેદારોની વરણી સમયે સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સંગઠન પ્રભારી ધનસુખભાઇ ભંડેરી ઉપસ્થિત રહ્યાં હતાં.

ત્યારબાદ બપોરે 12 વાગ્યે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં બહુમતી ધરાવતા ભાજપાના ઉમેદવારો વિજેતા થયા હતાં. મેયર તરીકે મોનિકાબેન વ્યાસની વરણી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બે કોર્પોરેટરો પોલીસ જાપ્તા સાથે હાજર રહ્યા હતાં. કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી તેમજ આમઆદમી પાર્ટી કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી હાલ ગુજસીટોક હેઠળના ગુન્હામાં જેલમાં બંધ હોય કોર્ટ દ્વારા સામાન્ય સભામાં હાજરી માટે મંજુરી આપવામાં આવતા બન્ને કોર્પોરેટરો પોલીસ જાપ્તા સાથે હાજર રહ્યા હતાં.

- Advertisement -

સ્ટે. કમિટીના સભ્યો
ધીરેન મોનાણી, જયરાજસિંહ જાડેજા, જીતુ શિંગાળા, આશિષ જોષી, સંજય મુંગરા, તૃપ્તિબેન ખેતિયા, નિલેશ હાડા, ધવલ નાખવા, મનિષ કટારિયા, પૂર્વેશ પરમાર, પાર્થ કોટડિયા, જશુબા ઝાલા

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular