કલ્યાણપુર નજીક રાવલ ગામ જવાના રસ્તા પર પુરઝડપે અને બેફિકરાઇથી આવી રહેલી કારએ વૃદ્ધને ફંગોળતાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે પોલીસે કારચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતની વિગત મુજબ કલ્યાણપુરથી આશરે 14 કિલોમીટર દૂર રાવલ ગામ તરફ જતા રસ્તે ટંકારીયા ગામ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જીજે04 સીઆર 6102 નંબરની ટાટા નેક્સન મોટરકારના ચાલકે આ માર્ગ પર જીજે13 એચ 7753 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા પબાભાઈ હાજાભાઈ ચાવડા નામના વૃદ્ધને હડફેટે લેતા તેમને માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે વધુ સારવારઅર્થે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર ભીખાભાઈ પબાભાઈ ચાવડાએ જાણ કરતાં પોલીસે ટાટા નેક્સન મોટરકારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.


