જામનગર શહેરમાં રહેતાં વેપારીએ પરિચિત શખ્સ ઉપર વિશ્વાસ રાખી શેરબજારમાં રોકાણ માટે રૂા. 62.94 લાખની રકમ આપી હતી. જે રકમ શખ્સે શરૂઆતમાં થોડો નફો અને થોડી રકમ પરત આપી વિશ્વાસ કેળવ્યા બાદ માતબર રકમની છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગુરૂદ્વારા પાસે આવેલા પાંચ બંગલા રોડ પરના એકતા એપાર્ટમેન્ટ-1માં રહેતા દેવેનભાઇ મોહનભાઇ પટેલ (ઉ.વ.52) નામના વેપારીનો પરિચિત હિરેન ભરત લાખાણી (રહે. ગાંધીનગર રોડ, બ્લોક નંબર સી/43, જામનગર) નામનો શખ્સ આઇસીઆઇસીઆઇ સિકયોરિટીમાં બ્રાંચ મેનેજરનો અનુભવ હોવાથી દેવેનભાઇએ હિરેન ઉપર વિશ્વાસ રાખી ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ તમામ ડિમેટ એકાઉન્ટનું એક્સેસ હિરેન લાખાણી પાસે હતું. દરમ્યાન શેરબજારમાં રોકાણ કરવા માટે હિરેનએ રોકાણના નફા પર 07% કમિશન અને જો નુકશાની થાય તો મૂડી પરત કરવાની ખાતરી પણ આપી હતી. હિરેનએ આપેલા વિશ્વાસમાં આવી જઇ દેવેનભાઇ સહિતના લોકોએ ફેબ્રુઆરી 2023 થી ઓકટોબર 2025 સુધી રૂા. 62,94,813ની રકમનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ હિરેનએ વિશ્વાસ મજબૂત બનાવવા માટે થોડો નફો અને થોડી રકમ આપી હતી.
ત્યારબાદ વેપારી સહિતના રોકાણકારોની બાકીની રકમમાં મોટી નુકશાની બતાવી હતી અને વેપારી સહિતનાઓ દ્વારા હિરેન પાસે અવારનવાર બાકીની રકમની માંગણી કરવા છતાં રકમ પરત આપી ની હતી. અવારનવાર રોકાણ કરેલી રકમની માંગણી છતાં રકમ પરત ન આપતાં આખરે દેવેનભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ એમ. એચ. મહેતા તથા સ્ટાફએ હિરેન લાખાણી વિરૂદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


