જામનગર જિલ્લા જેલમાંથી સાયબર ક્રાઇમ પોલીસે ગેરકાયદેસર રીતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ચાર શખ્સોને ઝડપી લીધા હતાં. આ તપાસ દરમિયાન વધુ એક આરોપીનું નામ ખુલતા તેને રાજકોટ જિલ્લા જેલમાંથી કબ્જો લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લા જેલમાં બીનવારસુ મોબાઇલ ફોન મળ્યાનો સીટી એ ડિવિઝનમાં ગુન્હો નોંધાયો હતો. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પીઆઇ આઇ.એ. ધાસુરા તથા તેમની ટીમે તા. 12 માર્ચ, 2026થી તા. 29 માર્ચ, 2026 દરમિયાનના મોબાઇલ ફોનના કોલ ડિટેઇલ રેકોર્ડ (સી.ડી.આર.) અને અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જામનગર જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા બે આરોપીઓ, તાજેતરમાં જામીન પર મુક્ત થયેલા એક આરોપી તેમજ જેલમાં ગેરકાયદેસર સિમકાર્ડ પહોંચાડનાર એક આરોપી જાફરઅલી ઉમરભાઈ સફિયા, મોઇન ઉમરભાઈ સફિયા, દિલીપ દિનેશભાઈ પરમાર અને ઇમ્તિયાઝ રહેમતુલ્લા મુદ્રાક સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓને અદાલતમાં રજૂ કરી એક દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા આરોપીના રીમાન્ડ દરમિયાન પુછપરછ હાથ ધરી હતી. જેમાં વધુ એક આરોપી સુરેશ મંગળ વાઘેલાનું નામ પણ ખુલ્યું હતું. આ આરોપી પોકસોના કેસમાં 20 વર્ષની સજા થઇ હોય રાજકોટ જિલ્લા જેલમાં હતો. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કોર્ટની જરૂરી પ્રક્રિયા પુરી કરી રાજકોટ જિલ્લા જેલમાંથી આરોપી સુરેશ મંગળ વાઘેલાનો કબ્જો મેળવી જામનગર લાવ્યા હતાં અને રીમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જિલ્લા જેલમાં રહેલા કેટલાક કેદીઓ ગેરકાયદેસર મોબાઇલ ફોનનો ઉપયોગ કરી મોડી રાત્રિના સમયે પોતાના પરિવારજનો તથા અન્ય વ્યક્તિઓ સાથે નિયમિત સંપર્કમાં રહેતા હતા. સમગ્ર કાવતરામાં અન્ય કેટલા કેદીઓ અને બહારના લોકો સંડોવાયેલા છે તે અંગે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હજુ પણ ટેક્નિકલ તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના વડપણ હેઠળ નાયબ પોલીસ અધીક્ષક જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પીએસઆઇ એચ.કે. ઝાલા તથા પીઆઇ આઇ.એ. ધાસુરા તથા ટીમ દ્વારા કરવામાં આવી હતી.


