ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં રહેતાં વૃદ્ધ દંપતિએ લાંબા સમયથી થયેલી શારીરિક-માનસિક બિમારીથી કંટાળીને સોમવારે સાંજે તેના ઘરે ઝેરી ટીકડા ખાઇ સજોડે આપઘાત કર્યાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ બન્ને મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં રહેતા દામજીભાઇ મૂળજીભાઇ ભીમાણી (ઉ.વ.70) અને તેમના પત્ની માનુબેન દામજીભાઇ ભીમાણી (ઉ.વ. 68) નામના વૃદ્ધ દંપતિને લાંબા સમયથી શારીરિક તથા માનસિક બિમારી થઇ હતી. બિમારીઓની સારવાર કરાવવા છતાં બિમારી મટતી ન હતી. વૃદ્ધ દંપતિને થયેલી બિમારીથી કંટાળીને સોમવારે સાંજના સમયે બન્ને ઘરે એકલા હતા ત્યારે ઘઉંમાં નાખવાના ટીકડા સજોડે પી આપઘાતનો પ્રયાસ કરતાં દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધ દંપતિનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મયંકભાઇ ભીમાણી દ્વારા જાણ કરાતા હે.કો. જે. કે. દલસાણિયા સ્ટાફ સાથે હોસ્પિટલ પહોંચી જઇ વૃદ્ધ દંપતિના મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાંકિયા ગામમાં રહેતાં વૃદ્ધ દંપતિએ સજોડે આપઘાત કર્યાની ઘટનાની ગામમાં અરેરાટે ફેલાઇ ગઇ હતી.


