કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામે પત્નીના મોતના આઘાતમાં રહેતા એક યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આશરે બે મહિના પૂર્વે પત્નીએ કરેલા આપઘાત બાદ સતત ઉદાસ રહેતા પતિએ પણ પત્નીની યાદમાં એ જ આત્મઘાતી પગલું ભરી લેતાં માતંગ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાન ભાટિયા ગામમાં રહેતાં અને ડ્રાઇવિંગ કરતાં પ્રતાપભાઇ જેઠાભાઇ માતંગ (ઉ.વ. 33)ના પત્ની રાણીબેને ગત તા. 10 મેના કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.પત્નીના મોત બાદ પ્રતાપભાઇ ભારે સદમામાં આવી ગયા હતા અને પત્નીની યાદમાં સતત ઉદાસ રહેતા હતા. દરમ્યાન ગત તા. 07ના બપોરના સાડા ચારેક વાગ્યાના સુમારે, કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામમાં આવેલા પોતાના મકાને પ્રતાપભાઇએ પત્નીના વિરહમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મૃતકના નાના ભાઈ ભરતભાઇ દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં જાણ કરતાં હે.કોન્સ. નિલેશભાઇ એસ. ગોજીયા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


