Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતદરિયાકાંઠાની સુરક્ષા સાથે કોઇ બાંધછોડ નહીં: મુખ્યમંત્રી

દરિયાકાંઠાની સુરક્ષા સાથે કોઇ બાંધછોડ નહીં: મુખ્યમંત્રી

દરિયાઇ પટ્ટીમાં કોઇપણ ગેરકાયદે પ્રવૃતિને સખત હાથે દાબી દેવામાં આવશે

- Advertisement -

દ્વારકાના કાંઠાળ વિસ્તારની સુરક્ષાની સમીક્ષા અને નિરીક્ષણ માટે આવેલા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દરિયાકાંઠાની સુરક્ષાની બાબતમાં કોઇપણ બાંધછોડ કરવામાં આવશે નહીં. કાંઠાળ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ અને ગેરકાયદે દબાણોને સખત હાથે દાબી દેવામાં આવશે.

- Advertisement -

દેશ તથા રાજ્યના છેવાડાના વિસ્તાર તેમજ દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના એવા બેટ દ્વારકાની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે મંગળવારે બપોરે મુલાકાત લઇ, તંત્ર દ્વારા કરવામાં આવેલા ઓપરેશન ડિમોલીશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કાંઠા પર સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના અને એવા પોઇન્ટ અને તે વિસ્તારોમાં પોલીસ તથા રેવન્યુ ખાતાની કરવામાં આવેલી સામુહિક કાર્યવાહીની સમીક્ષા પણ કરી હતી. ઓખાથી બેટ દ્વારકા સુધીની દરિયાઈ સફર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડ્રિમ પ્રોજેકટ સમા નિર્માણાધીન સિગ્નેચર બ્રિજના કામનું પણ નિરીક્ષણ તેમણે કર્યું હતું. સિગ્નેચર બ્રિજની કામગીરી સત્વરે પૂર્ણ કરાશે તેમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ જણાવ્યું હતું. અહીં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સ્થાપેલા સુરક્ષા, શાંતિ, સલામતીના મજબૂત પાયાને વધુ સુદ્રઢ રાખવા રાજ્ય સરકાર મક્કમ છે.

- Advertisement -

વિકાસ કામોને આડે આવતી ગેરકાયદે દબાણ સહિતની ગેરકાયદે પ્રવૃતિઓ આગળ વધતી અટકાવાશે અને કાયદાકીય રીતે સખ્તાઈથી દૂર કરવામાં આવશે. લોકોની સલામતી અને સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા ઝુંબેશ ચાલુ જ રહેશે તેમ જણાવ્યું હતું.

સરકારી યોજનાઓના લાભ વિનાઅવરોધે છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે હેતુથી સરકાર દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરાઈ રહી છે, તેમ તેમેણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતના 1600 કી.મી. લાંબા દરિયાઇ પટ્ટા પર કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં. આ તમામ દરિયા કિનારાને સજ્જડ સુરક્ષિત કરવાનો નિર્ધાર છે.

- Advertisement -

આ સાથે એક મુલાકાતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમુદ્ર તટીય વિસ્તારોની આંતરિક અને બાહ્ય સલામતી અને સુરક્ષા માટે આ કડક પગલાં લેવાઈ રહ્યા છે. ગેરકાયદેસર દબાણો પર લોકહિતમાં કાર્યવાહી કરવામાં આવી છે અને કડક પગલાં લેવામાં આવ્યા છે. દરિયાઈ પટ્ટી પર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં.

આ સમગ્ર મુલાકાત દરમિયાન દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય, જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રી યુવરાજસિંહ વાઢેર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

હર્ષદ ખાતે મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રીમાંની સુરક્ષા વ્યવસ્થા માટે ડિમોલિશનમાં સક્રિય અને મહત્વની ભૂમિકા ભજવનાર ડીવાયએસપી સમીર સારડા તથા બેટ દ્વારકામાં ડીવાયએસપી પરમારએ જરૂરી બંદોબસ્ત જાળવ્યો હતો. જે દરમિયાન જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સાથે રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular