અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને પ્રાદેશિક દરિયાઈ સુરક્ષાના વધતા જોખમો વચ્ચે ઓમાનના લીમા બંદર નજીક ઓમાનના દરિયાઈ વિસ્તારમાં ભારતીય ધ્વજવાળું સલાયાનું જહાજ MSV AL JUSUFI (BDI-1442) શંકાસ્પદ ડ્રોન અથવા મિસાઈલ હુમલાનો ભોગ બન્યું હોવાની દુ:ખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ભારતીય ખલાસીનું કરૂણ મોત નીપજ્યું છે, જે ખલાસી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં રહેતો હતો.જ્યારે અન્ય 13 ખલાસીઓનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો છે.
જહાજના રજિસ્ટર્ડ માલિક અને માસ્ટર (ટંડેલ) પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, આ જહાજ 31 ઓક્ટોબર 2026ના રોજ સંયુક્ત આરબ અમીરાતના હમરિયા બંદરેથી ગુજરાતના પોરબંદર બંદર તરફ 14 ભારતીય ખલાસીઓ, જેમાં માસ્ટર/ટંડેલનો પણ સમાવેશ થાય છે, તથા ભીના ખજૂરના માલસામાન સાથે રવાના થયું હતું. 2 નવેમ્બર 2026ના રોજ સ્થાનિક સમય મુજબ આશરે સાંજે 4:00 વાગ્યે ઓમાનના લીમા બંદર નજીક ઓમાનના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અજ્ઞાત હવાઈ પદાર્થ, જે ડ્રોન અથવા મિસાઈલ હોવાની આશંકા છે, તેના દ્વારા જહાજને નિશાન બનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
હુમલા બાદ જહાજમાં ગંભીર કટોકટીની સ્થિતિ સર્જાતાં અને આગ ફાટી નીકળતા તમામ ખલાસીઓએ પોતાના જીવ બચાવવા જહાજ છોડી રેસ્ક્યૂ બોટમાં આશરો લેવો પડ્યો હતો. ત્યારબાદ ઓમાન કોસ્ટ ગાર્ડ દ્વારા તમામ ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા અને ઓમાનના સુરક્ષિત દરિયાકાંઠાના સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. જોકે, અકસ્માત સ્થળેથી ખસાબ બંદરની હોસ્પિટલ તરફ લઈ જતી વખતે એક ખલાસી ઘન ગંઢાંર નહિમ અજીજનું દુ:ખદ અવસાન થયું હતું. બાકીના 13 ખલાસીઓ હાલ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનાને કારણે તેમના પરિવારજનો, સાથી ખલાસીઓ તથા સમગ્ર ભારતીય જહાજોના વ્યવસાય સાથે સંકળાયેલા સમુદાયમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
આ દુ:ખદ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરતાં ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિએશન (ISVA) ના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ ભારત સરકાર, વિદેશ મંત્રાલય, ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ તથા ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. તેમણે ઓમાનના સંબંધિત સત્તાવાળાઓ સાથે સંકલન કરીને બચી ગયેલા 13 ભારતીય ખલાસીઓને તાત્કાલિક માનવીય અને કોન્સ્યુલર સહાય પૂરી પાડવા, જરૂરી કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરાવવા તથા તેમને વહેલી તકે સુરક્ષિત રીતે ભારત પરત લાવવા વિનંતી કરી છે. સાથે જ, મૃત્યુ પામેલા ખલાસીના શોકગ્રસ્ત પરિવારને યોગ્ય સહાય પૂરી પાડવા પણ અપીલ કરી છે. ભાયાએ વધુમાં જણાવ્યું હતું કે આ ખલાસીઓ મોટાભાગે આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોમાંથી આવે છે અને આ દુર્ઘટનાને કારણે તેમના પરિવારજનો ભારે માનસિક આઘાત તથા આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમણે અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને દરિયાઈ સુરક્ષાના વધતા જોખમો વચ્ચે આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો પર કાર્યરત ભારતીય ખલાસીઓ તથા પરંપરાગત જહાજોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિએશને ગંધર નહિમ અજીજના અવસાન બદલ તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના અને હૃદયપૂર્વક શોક વ્યક્ત કર્યો છે. એસોસિએશને સંબંધિત સત્તાવાળાઓને તાત્કાલિક સહાય, માનવીય સહયોગ અને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડી બાકીના ખલાસીઓને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા અપીલ કરી છે.


