રાજકોટથી કાલાવડ તાલુકાના રણુજા ગામે માનતા પૂરી કરવા જતાં પદયાત્રિઓને નિકાવા ગામ નજીક ટ્રકચાલકે ઠોકર મારતા પદયાત્રિ યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જ્યારે એક મહિલાને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ટ્રકચાલક નાશી જતાં આ અંગે ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ હતી.
અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ રાજકોટ ખાતે રહેતાં યશભાઇ અમેથિયા, ધ્રુવિતાબેન જેન્તીભાઇ અમેથિયા તથા અન્ય પાંચ લોકો રાજકોટથી કાલાવડ તાલુકાના રણુજા ગામે માનતા પૂર્ણ કરવા પગપાળા જઇ રહ્યાં હતાં. દરમ્યાન તા. 09ના નિકાવા ગામે આવેલ મામા દેવના મંદિર પાસે એ-વન ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝની સામે, પુલિયા પાસે પહોંચતા પાછળથી આવી રહેલ આરજે19 જીકે 4317 નંબરના ટ્રકચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી યશ અમેથિયા (ઉ.વ.21) તથા ધ્રુવિતાબેન (ઉ.વ.22)ને ઠોકરે ચઢાવ્યા હતા. જેમાં યશને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જ્યારે ધ્રુવિતાબેનને કમર તથા શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત સર્જી ટ્રકચાલક નાશી ગયો હતો. આ અંગે ચીમનભાઇ ગોકળભાઇ અમેથિયા દ્વારા આરજે19 જીકે 4317 નંબરના ટ્રકચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.


