Thursday, November 12, 2026
Homeરાજ્યજામનગરદિવાળીના ત્રણ દિવસમાં જામનગરમાં આગના 116 બનાવો - VIDEO

દિવાળીના ત્રણ દિવસમાં જામનગરમાં આગના 116 બનાવો – VIDEO

દિવાળીના પર્વે ફટાકડાની આતશબાજી વચ્ચે શહેરમાં આગની એક પછી એક ઘટનાઓથી ફાયર વિભાગમાં ઇમરજન્સી કોલનો મારો : શહેરના 9 સ્થળોએ ફાયર પોઈન્ટ ગોઠવી આશરે 130 અધિકારીઓ-કર્મચારીઓનો સ્ટાફ રહ્યો તૈનાત, અંદાજે 20 ફાયર ગાડીઓ સાથે ટીમો સ્ટેન્ડબાય

દિવાળીના પર્વે સમગ્ર શહેરમાં લોકો પરિવારજનો સાથે દીપોત્સવી પર્વની ખુશીઓ મનાવી રહ્યા હતા અને ફટાકડાની આતશબાજી કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ જામનગર ફાયર બ્રિગેડના જવાનો શહેરની સુરક્ષા માટે રાત-દિવસ ખડેપગે રહી પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. દિવાળી અને ત્યારબાદના બે દિવસ સહિત સતત ત્રણ દિવસ દરમિયાન જામનગર શહેરમાં નાની-મોટી આગના અંદાજે 116 બનાવો નોંધાયા હતા. એક પછી એક આગની ઘટનાઓના ઇમરજન્સી કોલ મળતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક અલગ-અલગ વિસ્તારોમાં દોડી ગઈ હતી અને સમયસર આગ પર કાબૂ મેળવી મોટી દુર્ઘટનાઓ સર્જાતી અટકાવી હતી.

- Advertisement -

દિવાળીના તહેવાર દરમિયાન આગની સંભવિત ઘટનાઓને પહોંચી વળવા જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અગાઉથી જ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના અલગ-અલગ નવ સ્થળોએ ફાયર પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા હતા. જેમાં લાલ બંગલા મુખ્ય ફાયર સ્ટેશન, ફાટક રોડ અને બેડેશ્ર્વર ફાયર સ્ટેશન ઉપરાંત ગ્રીન સિટી, દરબારગઢ, સમર્પણ સર્કલ, ડી.કે.વી. સર્કલ, ફટાકડા બજાર અને રાધિકા સ્કૂલ પાસે ફાયર ટીમો અને ફાયર ટેન્ડર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા.

આ સમગ્ર આયોજનમાં અધિકારીઓ અને કર્મચારીઓ સહિત આશરે 130 જેટલા સ્ટાફે પોતાની જવાબદારી નિભાવી હતી. દિવાળીના બે દિવસ દરમિયાન અંદાજે 20 ફાયર ગાડીઓ અલગ-અલગ સ્થળોએ તૈનાત રાખવામાં આવી હતી, જેથી આગનો બનાવ બને ત્યારે ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી શકાય. ફાયર વિભાગના જવાનો માટે તહેવાર કરતાં પણ નાગરિકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા રહી હતી.

- Advertisement -

શહેરમાં દિવાળીના દિવસોમાં ક્યાંક ખુલ્લા પ્લોટમાં, ક્યાંક કચરાના ઢગલામાં, તો ક્યાંક મકાનની છત પર કે ભંગારના વાડામાં આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા. ફટાકડાના કારણે સર્જાયેલી આગની ઘટનાઓમાં ફાયર વિભાગના ઇમરજન્સી નંબર પર સતત કોલ આવતા રહ્યા હતા. કોલ મળતાની સાથે જ નજીકના ફાયર પોઈન્ટ પરથી ટીમો રવાના થઈ આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં લાગી જતી હતી.

મહાકાળી સર્કલથી ઢીચડા રોડ પર આવેલા તિરુપતિનગરમાં તિરુપતિ મહાદેવ મંદિરની બાજુમાં સૂકા ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્રણ ફાયર ગાડીઓની મદદથી ફાયર ફાઇટિંગની કામગીરી હાથ ધરી આગને સંપૂર્ણપણે બુઝાવવામાં આવી હતી.

- Advertisement -

રાજપાર્ક નદીના કિનારે કચરામાં આગ લાગી હોવાની જાણ કરવામાં આવી હતી. કોલ મળતાં જ ફાયર વિભાગની ટીમ એક ગાડી સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે બુઝાવી હતી અને વધુ વિસ્તારમાં આગ પ્રસરે તે પહેલાં જ સ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી.

નાગનાથ નાકા વિસ્તારમાં અંબાજી ચોક પાસે આવેલા એક મકાનના ત્રીજા માળે આગ લાગવાનો બનાવ પણ સામે આવ્યો હતો. 112 મારફતે જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સમયસર કામગીરીના કારણે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું.

દિવાળીના પર્વે જામનગરવાસીઓએ ઉત્સાહભેર ફટાકડા ફોડી તહેવારની ઉજવણી કરી હતી. જોકે, તેની સાથે આગના નાના-મોટા બનાવોમાં પણ વધારો જોવા મળ્યો હતો. ત્રણ દિવસમાં 116 જેટલા આગના બનાવો નોંધાવા એ ફાયર વિભાગ માટે સતત દોડધામભર્યા દિવસો રહ્યા હતા. તેમ છતાં અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ફાયર જવાનોએ દરેક કોલને ગંભીરતાથી લઈ સમયસર ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

જ્યારે શહેરના નાગરિકો પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે ફાયર વિભાગના જવાનો પોતાની દિવાળી ફરજ પર રહીને ઉજવી રહ્યા હતા. પોતાના પરિવાર સાથે તહેવાર મનાવવાને બદલે નાગરિકોના જાનમાલની સુરક્ષાને પ્રાથમિકતા આપીને તેમણે પ્રશંસનીય કામગીરી કરી હતી.

ફાયર વિભાગનું આગોતરું આયોજન, શહેરના નવ સ્થળોએ ઊભા કરાયેલા ફાયર પોઈન્ટ, સ્ટેન્ડબાય રાખવામાં આવેલી ગાડીઓ અને જવાનોની સમયસૂચક કામગીરીના કારણે આગના અનેક બનાવોમાં મોટી દુર્ઘટના સર્જાતી અટકી હતી. જામનગરવાસીઓ હર્ષોલ્લાસ સાથે દિવાળીનો પર્વ ઉજવી શકે તે માટે ફાયર વિભાગના જવાનોએ નિષ્ઠા અને સેવાભાવ સાથે ફરજ બજાવી હતી. આમ, દિવાળીના ત્રણ દિવસ દરમિયાન 116 આગના બનાવો વચ્ચે પણ ફાયર વિભાગની સતર્કતા અને જવાનોની કામગીરી શહેરની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular