જામનગર શહેરના ગુલાબનગર ઓવરબ્રિજ પાસેના ખુલ્લા મેદાનમાંથી શંકાસ્પદ અનાજનો હજારો કિલોનો જથ્થો મળી આવતાં પુરવઠા અધિકારી દ્વારા 16,51,310ની કિંમતનો આ જથ્થો અને વાહનો સહિતનો મુદ્દામાલ સરકારી ગોદામમાં મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર ઓવરબ્રીજ પાસેના ખુલ્લા મેદાનમાં અનાજનો શંકાસ્પદ જથ્થો પડયો હોવાની બાતમીના આધારે કલેકટર કેતન ઠક્કરની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી એસ. ડી. બારડ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ તપાસ હાથ ધરતાં સ્થળ પરથી 13,990 કિલો ઘઉં અને 26,250 કિલો ચોખા તથા 300 કિલો ચણા અને 390 કિલો બાજરીનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પુરવઠા અધિકારીએ શંકાસ્પદ મળી આવેલા રૂા. 14,28,510ની કિંમતના અનાજનો જથ્થો કબ્જે કરી સરકારી ગોદામમાં મોકલી દીધો હતો અને આ અનાજના જથ્થાના સેમ્પલ લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત પુરવઠા અધિકારી તથા ટીમે અનાજના જથ્થાની સાથે સાથે એક બાઇક, ત્રણ રિક્ષા, વજનકાંટો સહિતનો કુલ રૂા. 16,51,310નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ અનાજના જથ્થાનો રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું.