કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા યુવાનને ખેતરની ફરતે લગાવવામાં આવેલી ઇલે. ફેન્સીંગમાંથી શોક લાગતાં મૃત્યુ નિપજયું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રમેશ રાયદેભાઈ ગામી નામના યુવાને એક આસામીની વાડીમાં વાવેતર કરેલી મગફળીનું રક્ષણ કરવા માટે કોઈપણ પ્રકારની દરકાર કર્યા વગર કે કોઈપણ જાતની ચેતવણી રૂપ બોર્ડ કે નિશાન રાખ્યા વગર ધાતુના તાર ફીટ કર્યા હતા. આ તારમાં ઈલેક્ટ્રીક પાવર આવતો હોવાથી કોઈપણ વ્યક્તિ કે પશુનું મૃત્યુ થઈ શકે એવું જાણતા હોવા છતાં પણ તેમણે ધાતુના તાર બાંધી અને તેમાં ઈલેક્ટ્રીક પાવર ચાલુ રાખ્યો હતો. દરમ્યાન શનિવારે રાવલ ગામના મોહનભાઈ પુંજાભાઈ વાઘેલા (ઉ.વ.37) નામનો યુવાન અહીં ઇલેક્ટ્રીક પાવર વાળા તારને અડકી જતા તેમને જોરદાર વિજ કરંટ લાગવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ રામશીભાઈ પુંજાભાઈ અરજણભાઈ વાઘેલાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે રમેશ રાયદેભાઈ ગામી સામે બી.એન.એસ.ની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.


