દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે હાથ ધરેલી કાર્યવાહીમાં ભાણવડ, કલ્યાણપુર, મીઠાપુર, દ્વારકા અને ખંભાળિયા સહિતના વિસ્તારોમાંથી જુગાર રમતા 36 ઈસમો ઝડપાયા હતા. પોલીસે જુગારના સાધનો, રોકડ રકમ તથા અન્ય મુદ્દામાલ કબજે કરી જુદા જુદા ગુના દાખલ કર્યા હતા.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો ભાણવડ પોલીસ દ્વારા જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ભાણવડ નજીકની ગરાસ સીમ વિસ્તારમાં રહેતા ભરત કાનાભાઈ કરંગીયા નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની વાડીમાં આવેલા રહેણાંક મકાનમાં પોતાના આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવીને ચલાવાતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રમેશ ખીમાભાઈ ચાવડા, કાનાભાઈ કરશનભાઈ ભાટુ, સુમાત ધનાભાઈ રાવલિયા, દીપક રામજીભાઈ સોલંકી, સુભાષ જેરામભાઈ ગોરફાડા, રાજા અમરાભાઈ ઘુઘલ અને દિલીપ જોધાભાઈ રાવલિયા નામના કુલ આઠ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. આ દરોડામાં પોલીસે રૂપિયા 74,000ની રોકડા રકમ તથા સાત મોબાઈલ ફોન અને ત્રણ મોટરસાયકલ વિગેરે મળી કુલ રૂ. 2,42,000 જેટલો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જ્યારે બીજો દરોડો ભાણવડ તાલુકામાં એલસીબી પોલીસ દ્વારા વિજયપુર વાડી વિસ્તારમાં રાત્રિના આશરે બે વાગ્યાના સમયે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં અનિલ અરજણ બંધિયા નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની વાડીના ગોડાઉનના મકાનમાં ચલાવતા જુગારના અખાડામાંથી પોલીસે રાહુલ નારણભાઈ પીપરોતર, કિશોર ઉર્ફે બબુ નરસીભાઈ ખાણધર, દૂદાભાઈ દેવસીભાઈ ચૌહાણ, વજસી રામભાઈ પીપરોતર, પુના બીજલભાઈ ઝાપડા, નાસીરભાઈ જુસબ સમા અને ગુલામમામદ ઉર્ફે ગુલો ઇસ્માઈલભાઈ જેઠવા નામના સાત શખ્સોને ઝડપી લઈ, રૂ. 80,050ની રોકડા રકમ તેમજ રૂપિયા 50 હજારની કિંમતના પાંચ મોબાઈલ ફોન અને રૂ. 1,10,000ની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 2,40,050નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમ્યાન વિજયપુર ગામનો અનિલ અરજણ બંધીયા નામનો શખ્સ નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. જે અંગે ભાણવડ પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધારી છે.
ત્રીજો દરોડો કલ્યાણપુર પોલીસ દ્વારા જુગાર અંગેની કાર્યવાહીમાં માલદે સવાભાઈ સુવા, અરજણ કારા લગારીયા, બળદેવ દેવાણંદભાઈ ભાટુ, ગોવિંદ ડાયાભાઈ મકવાણા, રાયદે વજસી સોલંકી અને સંજય શામજી ગાધેર સામે કાર્યવાહી કરી, રોકડ રકમ, જુગારના સાધનો સહિત કુલ રૂ. 8,670નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ચોથો દરોડો મીઠાપુર પોલીસે બે મહિલા તથા બ્રિજરાજસિંહ રણજીતસિંહ વાઢેર, ઋતુરાજસિંહ દશરથસિંહ વાઢેર અને સહદેવસિંહ દોલુભા વાઢેરને જુગાર રમતાં ઝડપી લઈ રૂ. 18,170નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પાંચમો દરોડો દ્વારકા પોલીસ દ્વારા જુગાર અંગેની કાર્યવાહીમાં તાલુકાના ચરકલા ગામે આવેલા એક મંદિર પાસે રાત્રિના સવા વાગ્યાના સમયે ઓટલા પર બેસીને સ્ટ્રીટ લાઈટના અજવાળે રોન પોલીસ નામનો જુગાર રમતા દીપકસિંહ શીવુભા પરમાર, રઘુવીરસિંહ કનુભા પરમાર, વનરાજસિંહ મોતીભા પઢિયાર, રણજીતસિંહ ખાનુભા જાડેજા, બ્રિજરાજસિંહ ખુમાનસિંહ પરમાર, ખોડુભા ઉર્ફે ધર્મેન્દ્રસિંહ હેમભા પરમાર અને સંજયસિંહ જશાજી જાડેજા સામે કાર્યવાહી કરી, કુલ રૂ. 27,450ની રોકડ રકમ કબ્જે લેવામાં આવી હતી.
છઠ્ઠા દરોડામાં ખંભાળિયા પોલીસ દ્વારા ગોલણ શેરડી ગામે રાત્રિના સમયે કરવામાં આવેલી જુગાર અંગેની કાર્યવાહીમાં નાથા રાજશી જોગલ, રમેશભાઈ દેસુરભાઈ ગોજીયા, દેસુરભાઈ ભીખાભાઈ ગોજીયા નામના ત્રણ શખ્સોને રૂ. 3020ની રોકડ રકમ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે આ દરોડા દરમ્યાન અન્ય ચાર આરોપીઓ ભાવેશભાઈ દેસુરભાઈ જોગલ, ભાવેશ દેશુર જોગલ, હાજા રાજશી જોગલ, વજા વિરમ ગઢવી અને રાણા ગામણા નાસી છૂટવામાં સફળ થયા હતા.


