નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જામનગરના શરૂ સેક્શન રોડ પર નાના ફેરીયા વેપારીઓ અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. નવરાત્રીને લગતી ચીજવસ્તુઓનું વેચાણ કરવા આવેલા વેપારીઓ સામે રવિવારે સવારે એસ્ટેટ શાખા દ્વારા રસ્તા પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતા મામલો ગરમાયો હતો.
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા રસ્તા પર દબાણ ન થાય અને અવરજવરમાં અડચણ ઊભી ન થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, કાર્યવાહીનો સામનો કરનારા નાના વેપારીઓએ તેમને તહેવારના દિવસોમાં વેપાર કરવા માટે જગ્યા આપવા માંગ કરી હતી.
વેપારીઓના જણાવ્યા મુજબ, નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન જ તેમને ચીજવસ્તુઓના વેચાણથી રોજગાર મેળવવાની તક મળે છે. કેટલાક વેપારીઓએ લોન અથવા ઉછીના નાણાં લઈને નવરાત્રીનો માલસામાન ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું. હવે માલસામાન લઈને આવ્યા બાદ વેપાર માટે જગ્યા ન મળતાં તેમની મુશ્કેલી વધી હોવાનું તેઓ કહી રહ્યા છે.
View this post on Instagram
વેપારીઓનો આક્ષેપ છે કે, તેમને ધંધો કરવા માટે બેસવા દેવામાં આવતા નથી અને કાર્યવાહી દરમિયાન તેમનો માલસામાન પણ લઈ જવામાં આવ્યો છે. જેના કારણે નવરાત્રી નજીક હોવા છતાં રોજગારનો પ્રશ્ન ઊભો થતાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.
નાના વેપારીઓએ તંત્ર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, તેઓ મોટા વેપારીઓ નહીં પરંતુ નાના સ્તરે રોજગાર મેળવી પરિવારનું ગુજરાન ચલાવનારા લોકો છે. તહેવાર માટે ખાસ માલસામાન ખરીદી લાવ્યા બાદ જો વેચાણ કરવાની તક નહીં મળે તો આર્થિક નુકસાન સહન કરવું પડશે.
વેપારીઓએ માંગ કરી છે કે, રસ્તા પર અવરજવરમાં અડચણ ન થાય તે રીતે યોગ્ય જગ્યા ફાળવી નવરાત્રી અને દિવાળી સુધી તેમને વ્યવસાય કરવાની તક આપવામાં આવે. તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં નાના વેપારીઓ ફૂટપાથ અને જાહેર સ્થળોની આસપાસ તહેવારને લગતી ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોય છે ત્યારે તંત્ર દ્વારા નાના વેપારીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
એક તરફ મહાનગરપાલિકાની દબાણ હટાવવાની કામગીરી અને બીજી તરફ તહેવારોમાં થોડા દિવસના વેપારથી પરિવારનું ગુજરાન ચલાવવાની નાના વેપારીઓની મજબૂરી વચ્ચે શરૂ સેક્શન રોડ પર સર્જાયેલો આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.


