દેશના કરોડો પ્રીપેડ મોબાઈલ યુઝર્સ માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) તરફથી ખુબ જ રાહતના સમાચાર આવ્યા છે. TRAI એ ‘ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન (13મો સુધારો) રેગ્યુલેશન્સ, 2026’ નોટિફાય કર્યું છે, જેનાથી હવે તમામ ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકો માટે રિચાર્જ પ્લાનમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવા પડશે.
મુખ્ય ફેરફારો અને નવી જોગવાઈઓ
વર્ષમાં 13 ના બદલે માત્ર 12 રિચાર્જ:
અત્યાર સુધી ટેલિકોમ કંપનીઓ 28 દિવસની વેલિડિટી વાળા પ્લાન આપતી હતી, જેના કારણે ગ્રાહકોને એક વર્ષ (365 દિવસ) માં 12 ની જગ્યાએ 13 વખત રિચાર્જ કરાવવું પડતું હતું. હવે 30 દિવસના સ્પષ્ટ પ્લાન આવવાથી વર્ષમાં માત્ર 12 વાર જ રિચાર્જ કરાવવું પડશે.
દર મહિને એક જ તારીખે રિન્યૂઅલ:
ટેલિકોમ કંપનીઓએ એવો પ્લાન રજૂ કરવો પડશે જે દર મહિને એક જ તારીખે રિન્યૂ થાય (દા.ત. જો તમે 15 તારીખે રિચાર્જ કરાવો છો તો દર મહિનાની 15મી તારીખે જ રિન્યૂ થશે).
માત્ર Voice અને SMS વાળા સસ્તા પ્લાન:
જે ગ્રાહકોને ફોનમાં ઈન્ટરનેટ/ડેટાની જરૂર નથી, તેમને હવે ફરજિયાત ડેટા બંડલ ધરાવતા મોંઘા પ્લાન લેવાની જરૂર નથી. કંપનીઓએ માત્ર કોલિંગ અને SMS માટેના ખાસ સસ્તા વાઉચર્સ (Voice and SMS-only STVs) પૂરા પાડવા પડશે.
ઓછા બજેટવાળા ગ્રાહકો અને સીનિયર સિટીઝન્સને મોટો ફાયદો:
આ નિર્ણયથી મુખ્યત્વે ફીચર ફોન વાપરનારાઓ, સીનિયર સિટીઝન્સ, ઓછી આવક ધરાવતા વર્ગ અને ઘરમાં માત્ર કોલિંગ માટે સેકન્ડરી સિમ રાખતા લોકોને મોટો આર્થિક ફાયદો થશે.
ક્યારથી લાગુ થશે?
આ નિયમો સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયાના 30 દિવસની અંદર તમામ ટેલિકોમ ઓપરેટરોએ પોતાના પોર્ટલ અને એપ પર આ નવા પ્લાન્સ ઉપલબ્ધ કરાવવાના રહેશે.
આ નીતિગત ફેરફાર પાછળ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા દ્વારા સંસદમાં ઉઠાવવામાં આવેલો અવાજ મહત્વનો રહ્યો છે. તેમણે સંસદમાં માંગ કરી હતી કે 28 દિવસના ચક્રથી ગ્રાહકો પર વધારાનો બોજ પડે છે. આ નવો નિયમ જાહેર થયા બાદ તેમણે ભારત સરકાર અને TRAI નો આભાર માન્યો હતો અને તેને સામાન્ય ગ્રાહકોની જીત ગણાવી હતી.


