ધ્રોલ તાલુકાના સોયલ ગામ નજીક ટોલનાકા પાસેથી પસાર થતા ચાલકે બાઇક પરનો કાબૂ ગુમાવી દેતા સ્લીપ થતાં શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા યુવાનનું મોત નિપજ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ ગોધરા જિલ્લાના શહેરા તાલુકાના નરસાણા ગામનો વતની અને હાલ ધ્રોલ તાલુકાના સોયલ ગામ પાસે આવેલી કપાસની મીલમાં નોકરી કરતો દિનેશભાઇ ભીમાભાઇ પરમાર (ઉ.વ.32) નામનો યુવાન તથા તેની પત્ની ભાવનાબેનને ગત તા.1 ના રોજ સવારના 9 વાગ્યાના અરસામાં તેની જીજે17ડીએ 1179 નંબરના બાઇકમાં સોયલ ટોલનાકાથી માનવતા કપાસની મીલે જતા હતા ત્યારે સાનવી મીલથી આગળના રોડ પર પહોંચ્યા ત્યારે બાઇક પરનો કાબૂ ન રહેતા સ્લીપ થવાથી દંપતિ રોડ પર પટકાયું હતું. જેમાં દિનેશભાઇને શરીરે અને માથામાં ગંભીર ઇજા તથા તેની પત્નીને સામાન્ય ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત દંપતિને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમ્યાન દિનેશભાઇનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ બનાવ અંગેની મૃતકના પત્ની દ્વારા જાણ કરાતાં હે.કો. જે.કે.દલસાણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


