જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતો યુવાન તેના ઘરે જતો હતો ત્યારે ગામના જ બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ યુવાનને આંતરીને ગાળો કાઢી ફડાકા ઝિંકી લાકડી વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા અને ખેતી કરતાં પૃથ્વીરાજસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.30) નામના યુવાન ગુરૂવારે રાત્રિના સમયે જામનગરથી તેના ઘરે જતો હતો ત્યારે સરમત ગામના પાટિયા પાસે પહોંચ્યો ત્યારે નરેન્દ્રસિંહ ચંદુભા જેઠવા અને બે અજાણ્યા સહિતના 3 શખ્સોએ યુવાનને આંતરીને કહ્યું કે, “તું દશરથસિંહ જાડેજા સાથે ફરશ.” તેમ કહી ગાળો કાઢી, બે ફડાકા ઝિંકી દીધા હતા. તેથી દોલુભાએ વચ્ચે પડી છોડાવ્યા હતા. ત્યારબાદ પૃથ્વીરાજસિંહ તેના ઘરે જતો હતો ત્યારે બે અજાણ્યા બાઇકસવાર શખ્સોએ આવીને લાકડી વડે પૃથ્વીરાજસિંહ ઉપર હુમલો કર્યો હતો અને, “હવેથી દશરથસિંહ જાડેજા સાથે જોવા મળ્યો તો, પતાવી દઇશ.” તેવી ધમકી આપી લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ સી. ડી. ગાંભવા તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.