જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના અવેજી સફાઇ કામદાર મહિલા સહિતના 54 કર્મચારીઓ દ્વારા હાઇકોર્ટમાં કેસ કરાતાં આ કર્મચારીઓને કાયમી કર્મચારી તરીકે નિમણૂંક આપવામાં આવતા તેના જ વિભાગમાં ફરજ બજાવતા બે મહિલા સહિતનાઓએ મહિલા કર્મચારી સાથે અવારનવાર ગેરવર્તન કરી, ચરિત્ર વિષે બોલી, ઝપાઝપી કરી, એટ્રોસિટીના ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતાં ફરિદાબેન સલીમભાઇ ખીરા (ઉ.વ.50) નામના મહિલા જી. જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં સફાઇ કામદાર તરીકે કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા હતા. મહિલા સહિતના 54 જેટલા અવેજી સફાઇ કર્મચારીઓ દ્વારા હાઇકોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જેમાં હાઇકોર્ટએ સાડા પાંચ વર્ષ પહેલાં ફરિદાબેન સહિતના 54 કર્મચારીઓને કાયમી કર્મચારી તરીકે નિમણૂંક આપી હતી. જે બાબત મહિલા સાથે ફરજ બજાવતા સુનંદાબેન બાંગલે અને જયાબેન હરિશભાઇ રાઠોડ નામના બન્ને મહિલાઓને ગમ્યુ ન હતું. જેથી આ બન્ને મહિલાઓ દ્વારા ફરિયાદબેન સાથે અવારનવાર ગેરવર્તન કરતાં હતા અને મહિલા ફરજમાં હોય ત્યારે બન્ને મહિલાઓ ગેરકાયદેસર અવરોધ કરતા હતા. તેમજ મહિલાની આબરૂને હાનિ પહોંચાડવાના ઇરાદાથી ચારિત્ર વિશે ખરાબ બોલતા હતા.
જેથી ફરિદાબેનએ આવું નહીં બોલવા માટે ઠપકો આપતાં સુનંદાબેન અને જયાબેન બન્નેએ છેલ્લાં ત્રણ-ચાર મહિનાથી ફરિદાબેનને અવારનવાર હેરાન પરેશાન કરતા હતા. 20 દિવસ અગાઉ મહિલા સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી. ફરિદાબેનને એટ્રોસિટીના ખોટા કેસમાં ફિટ કરી દેવાની તથા મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં આખરે ફરિદાબેન દ્વારા સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે મહિલાઓ વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી. જેના આધારે પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.