સામાન્ય રીતે લોકોને ચટપટુ ભોજન વધુ પસંદ આવે છે. નાના બાળકો હોય કે ઘરના વડીલો હોય દરેકને ભોજનમાં કંઇક નવું અને ચટપટુ જમવાની ઇચ્છા હોય છે ત્યારે ઘરની સ્ત્રીઓને તેમના સ્વાદ અને સ્વાસ્થ્ય બનેનું ધ્યાન રાખીને ભોજન બનાવવાનું હોય છે. ત્યારે ચાલો જાણીએ કે સ્વસ્થ અને ફીટ રહેવા માટે તમારી થાળીમાં દરરોજ શું-શું હોવુ જોઇએ ?
ઘણી વખત ઘણા લોકો સાથે આવું થતું હોય છે કે તેઓ ચટપટુ ભોજન છોડીને સાદું ભોજન જમતા હોય છે છતાં પણ તેમનું વજન વધતું જાય છે. ત્યારે સ્હેજેય આ વિચાર આવે છે કે, મારૂં વજન શા માટે વધી રહયું છે. ત્યારે તેનું કારણ છે કે આપણે ખોરાકનું સમતોલન જાળવતા નથી આપણને ખબર જ નથી કે દરરોજને આપણી થાળીમાં આપણે શું-શું કેટલી માત્રામાં લેવું જોઇએ. તો ચાલો જાણીએ ડાયાટિશીયનની ગિન્ની કાલરા શું કહે છે.

તમારા સ્વાસ્થયને ફીટ રાખવા માટે તમારૂં ભોજન સમતોલ હોવું જરૂરી છે. જેમ કે તમારી થાળીમાં એક નાની વાટકી દાળ હોવી જોઇએ જેમાં માગ, મસુર, તુવેર, અડદ કોઇપણ દાળ લઇ શકો છો. દાળમાંથી પ્રોટિન અને ફાઇબર મળે છે. પ્રોટિન માસપેસીને મજબૂત બનાવે છે. જયારે ફાઇબર તમો પાચનશકિતને મજબૂત કરે છે. અને પેટ ભરેલું લાગે છે. જેના કારણે તમે વધુ નથી જમતા દાળમાં નાની ચમચી ઘી પણ ઉમેરી શકાય પરંતુ તેને ખૂબ તેલ-મસાલાવાળી ન બનાવવી. આ ઉપરાંત બે મિડીયમ સાઇઝની રોટલી પણ લેવી જોઇએ જેમાં ઘી લગાવી શકાય તેમજ રોટલી પાળી વણવી જોઇએ. બહુ જાડી રોટલી ન ખાવી જોઇએ. રોટલી માટે મલ્ટીગ્રેઇન કે ઘઉં વાપરી શકાય છે. લોટમાં કાર્બોહાઇડ્રેટ મળે છે. જેના કારણે શરીરને એનર્જી મળે છે પરંતુ ર થી વધુ રોટલી ન ખાવી જોઇએ.
આ ઉપરાંત પ્લેટમાં ર વાટકી શાક હોવું જોઇએ જેમાં એક શાક સુુકુ તો બીજુ રસાવાળું હોવું જોઇએે. શાકને ઓછામાં ઓછા તેલમાં બનાવવું જોઇએ. સબજીમાં તમે પાલખ, મેથી જેવી પાંદડાવાળી શાકભાજી ઉપરાંત ટીંડોળા, ગાજર, દૂધી, ગોળી, ભીંડા જેવા મોસમી શાકભાજી ખાઇ શકો છો. આ શાકભાજી વિટામીન્સ, મીનરલ્સ અને ફાયબરથી ભરપુર હોય છે.જેને ખાવાથી ઇમ્યુનિટી વધે છે. જો તમને ભાત ખાવા વધુ પસંદ છે. તો તમે અડધી વાટકી ભાત લઇ શકો છો. પરંતુ દિવસમાં એક વખત જેમાં બ્રાઉન રાઇસ ખાઇ શકો છો રોજ વધુ ભાત ખાવાથી સુગર વધે છે. તેમજ વજન પણ વધે છે. થાળીમાં સલાડ હોવું અનિવાર્ય છે. જેમાં તમે કાકડી, ટમેટાં, ગાજર, મૂળા અને ડુંગળી ખાઇ શકાય છે. જેના ઉપર થોડું લીંબુ પણ નિચોવી શકાય છે. સલાડમાં ફાયબર હોય છે. તે પેટ અને સ્કીબ બન્ને માટે મહત્વનું છે. જો તમે દહીં કે છાશ લેવા માંગો છો તો તમે તેને બપોરના ભોજનમાં લઇ શકોછો તેમાં કેલ્શિયમ અને પ્રોટીન મળે છે. રાત્રિના ભોજનમાં દહીં કે છાશ ના લેવું જોઇએ. તેમજ મીઠું ખાવાના શોખીનો એ અઠવાડયામાં એક વખત મીઠાઇ ખાવી પરંતુ રોજેરોજ ન ખાવું જોઇએ તેનાથી ડાયાબિટીસ વધી શકે છે. તેમજ શરીર પણ વધી શકે છે. મીઠામાં તમે ગોળ, ખજુર કે ઘરની બનેલી મીઠાઇ લઇ શકો છો. જમતી વખતે પાણી ન પીવું જોઇએ. જમ્યાબાદ અડધા કલાક પછી પી શકાય ભોજનમાં નમકનું પ્રમાણ પણ ઓછું હોવું જોઇએ રોજ એક ફળ જરૂર ખાવું જોઇએ.જેમાં સફરજન, પપૈયું, કેળું તેમજ કોઇ મોસમી ફળ પણ લઇ શકાય છે.
આમ, રોજબરોજની તમારી ડાયેટમાં જો યોગ્ય ધ્યાન આપવામાં આવે તો વજનને નિયંત્રણમાં રાખીને પુરતા પ્રમાણમાં પોષક તત્વો મેળવી શકાય છે. તો તમે આમાંથી શું તમારા ભોજનમાં ઉમેરતા નથી ?જો તમે કોઇ ભૂલ કરી રહયા છે તો જાણી લેજો અને સુધારી પણ લેજો.
(અસ્વીકરણ : સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડૉકટરની સલાહ લો.)