જામનગર શહેર નજીક આવેલા ઢીચડાની દરિયાઈ ચેનલમાં જીંગા પકડવા બાબતે બે શખ્સોએ માછીમાર યુવાનને અપશબ્દો બોલી ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. સામાપક્ષે માછીમારને બે શખ્સોએ લોખંડના પાઈપ વડે માર મારી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બંને પક્ષની સામ સામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં જોડિયાભુંગા વિસ્તારમાં કચ્છીપાડામાં રહેતો સુલતાન અયુબ છરેચા નામનો માછીમાર યુવાન બુધવારે સાંજના સમયે ઢીચડાની સીમમાં દરગાહ નજીક આવેલી દરિયાઈ ચેનલમાં જીંગા પકડવા ગયો હતો ત્યારે સરમત ગામના રમજાન આદમ કેરેચા અને ઈલિયાઝ આદમ કેરેચા નામના બે શખ્સોએ સુલતાનને આંતરીને તારે અહીં જીંગા પકડવા આવવું નહીં તેમ કહી અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ લાકડાના ધોકા વડે કાનના ભાગે તથા જડબાના ભાગે અને સુલતાનનો ભાઈ હનિફને માથાના ભાગે ઈજા કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
સામાપક્ષે બે શખ્સો દ્વારા હુમલો કરાતા સુલતાન અયુબ છરેચા અને હફિન અયુબ છરેચા નામના બે ભાઈઓએ રમઝાન આદમ કેરેચાને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઈપ વડે બંને ભાઈઓ ઉપર હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. મારામારીના બનાવમાં હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે સુલતાન છરેચા અને રમઝાન કેરેચા નામના બંને શખ્સોની સામસામી મારામારીની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.