Tuesday, March 19, 2024
Homeખબર સ્પેશીયલકપરા માર્ગો, હંમેશા સારા અને સાચા મુકામની નિશાની છે

કપરા માર્ગો, હંમેશા સારા અને સાચા મુકામની નિશાની છે

- Advertisement -

(સંઘર્ષ અને મુશ્કેલીને ઓળંગીને જ, પ્રસિદ્ધિનો ભેટો થાય છે)
સંઘર્ષ અને મુશ્કેલી વિહીન માર્ગ થોડો અવાવરો છે,
ત્યારબાદ પ્રસિદ્ધિનો પ્રસંગ પણ એક સુંદર મહાવરો છે.

- Advertisement -

જીવન એક યાદગાર પ્રવાસ છે, ત્યારે આપણે જગમગતા પ્રવાસીઓ છીએ, જીવન એક પ્રસંગ છે, ત્યારે આપણે તે પ્રસંગના ઘણા ખરા અંશે માધ્યમ છીએ અને જીવન જયારે એક સુંદર મુકામ છે ત્યારે આપણે, સખત પરિશ્રમ થકી રાહી છીએ. જીવનમાં કંઈ પણ સહેલાઈથી મળતું નથી અને બનતું પણ નથી અને જે સહેલાઈથી તથા સરળતાથી મળે છે, તે એટલું કિમતી હોતું પણ નથી. સંઘર્ષ, મહેનત તથા પરિશ્રમ, આ ત્રણ પરિબળ જીવનના નોંધનીય અને ઇચ્છનીય પાસા છે. જીવન કોઈ પણ માનવજીવ સમીપ, એ ત્રણની કપરા પ્રમાણમાં માંગ રાખે છે અને એ ત્રણને કોઈ વળગી રહે છે અથવા એ ત્રણને કોઈ અનુસરે છે, તેની જીવન સમક્ષ જીત થતી હોય છે અને વ્યક્તિને તેમની પસંદગી પ્રમાણે તેમને જોઈતું મળી જવાનો, એક અનેરો આનંદ તો ખરો જ પણ અવસર પણ પ્રાપ્ત થતો હોય છે અને ત્યારે આપણને ખરા અર્થમાં, જીવન જીવવાનો અને જીવન પ્રત્યે સુંદર અનુભૂતિ થયાનો, થોડો અંતરાત્માને સ્પર્શ થતો હોય છે.

કંઈ પણ મેળવવા, કંઇક આપવું પડતું હોય છે અને આપવા બાદ જ કંઈ આપણને મળતું હોય છે, જે સંસારના એક વધુ શક્તિશાળી નિયમથી જાણકાર છીએ પરંતુ આજનો માનવી અને તેમની ધીરજ ઘણા ખરા અંશે ખોઈ ચૂક્યો છે અથવા ઓછી થતી જણાઈ છે પરંતુ જીવનના આ નિયમ સમક્ષ, આજનો કોઈ પણ વ્યક્તિ લાચાર તથા આ નિયમને અનુસરવા વિહીન, કંઈ છૂટકો નથી. કોઈ પણ વ્યક્તિનો, તેમના જીવન પ્રત્યે નિર્ણય, સ્વપ્ન તથા મુકામ હોય છે અને તમામ, એ વ્યક્તિના દ્રષ્ટિકોણ તથા જીવનના સ્વભાવને અનુરૂપ હોય છે અને એ સિદ્ધ કરવાનો એમનો ધ્યેય હોય છે પણ આ મુકામ, તથા જે-તે સેવેલ સ્વપ્નને સિદ્ધ કરવા, વ્યક્તિએ અત્યંત લાંબા પ્રવાસ તથા કપરા તબક્કામાંથી પસાર થવું પડે છે અને એ પ્રવાસ તથા તબક્કામાંથી પસાર થયા બાદ જ, વ્યક્તિને તેમનો મુકામ તથા તેમણે સેવેલ પ્રસિદ્ધિ મળે છે. તેમાંથી છૂટવા તથા તેમનો અન્ય કોઈ વિકલ્પ નથી અને તેમાં ‘શોર્ટ કટ’ તથા સરળ માર્ગ પણ હોતો નથી, જે વિધિના લેખની જેમ, જીવનના નિયમની પણ આપણા ભાગ્યમાં કોતરાયેલી વાત છે.

- Advertisement -

જીવનમાં આપણી સાથે થવાનો પણ કંઇક હેતુ હોય છે અને આપણો પણ જીવનમાં કંઈ સિદ્ધ કરવાનો એક મર્મ હોય છે અને આપણે એ જ એટલે કે આપણા મર્મ માટે જ, આપણે કપરા માર્ગ તથા તબક્કામાંથી પસાર થવાનું છે. કોઈ પણ વ્યક્તિના સ્વપ્નના માર્ગ સરળ અને સીધા નથી હોતા. તમામે, તેમાંથી જ પસાર થવાનું છે, આપણે ફક્ત એ માર્ગ અને તબક્કાથી ડરીને જ, આપણે તે યાત્રા ત્યજતા હોઈએ છીએ પરંતુ આપણે ફક્ત એ જ વાત મનમાં રાખીએ કે આપણે એ માર્ગ તથા તબક્કામાંથી પસાર થશું ત્યારે અનેક મુશ્કેલી તથા સંઘર્ષ થકી, આપણા જીવનની વાસ્તવિકતાની દર્શના થશે. આપણું સ્વપ્ન કેટલા અંશે ખરું છે, તેમની અનુભૂતિ થશે, જીવનમાં અલગ પ્રકારના કેવા વળાંક આવી શકે, તેમનાથી પરિચિત થશું અને એ તમામમાંથી જયારે આપણે સતત અને સળંગ પસાર થશું ત્યારે આપણને આપણા જ મુકામના, વાસ્તવમાં દર્શન થશે અને ત્યારબાદ આપણા પ્રવાસનું માત્ર સ્વપ્ન થકી નહી પણ અનુભૂતિ થકી તેમનું આલેખન કરીશું.

કોઈપણ મુકામ અને તે પ્રવાસના પરિણામ, જીવને હંમેશા લાયક જ આપ્યા છે. આપણે ફક્ત આપણી યાત્રા વધુ મજબૂત અને ચોક્કસ કરવાની જરૂર છે. કદાચ એ પણ સ્પષ્ટ થાય કે આપણું સેવેલ સ્વપ્ન તથા મુકામ, આપણા માટે થોડો-ઘણો અયોગ્ય છે અને આપણે બદલવાની જરૂર છે પણ એમની પણ જાગૃતતા ત્યારે જ આવશે, જયારે આપણે સમગ્ર પ્રવાસમાંથી પસાર થશું. ઘણી પરિસ્થિતિના કોઈ વિકલ્પ નથી હોતા. આપણે ફક્ત આપણા પર વધુ વિશ્વાસ રાખવાની જરૂર છે અને મુકામ સુધીની જે કંઈ પ્રકિયા છે, તેમાં આપણે મક્કમ રહી અને પ્રક્રિયામાં આપણે સાથ આપવાની જરૂર છે. બની શકે, માર્ગ કપરો હોય અને વળાંક પણ આવે, તો જ આપણો મુકામ જલ્દી આવે અને આ સંઘર્ષ, મહેનત અને મુશ્કેલીમાંથી પસાર થવું જરૂરી અને આવશ્યક છે, ત્યારે તેમને ઓળંગ્યા બાદ, આપણા મુકામ તરફનો રસ્તો ઘણો નજીક હશે અને એક ડગલું આગળ આવશું, એમની બાહેંધરી, આપણી યાત્રા જ આપે છે.
મુકામ અને સંઘર્ષ, આમ તો આ બંને શબ્દો એકબીજાને સંલગ્ન છે. મુકામ આપવાની અને ત્યાં સુધી પહોંચવાની બાહેંધરી જીવન આપે છે ત્યારે ત્યાં સુધી પહોંચવા માટે તાબડતોડ સંઘર્ષ કરવા શરત પણ આપે છે અને એ શરત જ કપરો માર્ગ છે, ત્યારબાદ આપણી જીત સુનિશ્ચિત છે. આપણે ફક્ત, એ યાત્રાને છોડીએ છીએ, આપણે એ માર્ગ છોડીએ છીએ, ત્યારે જ આપણી હાર થતી હોય છે, અન્યથા આપણા મુકામને સિદ્ધ કરવા, આપણે ચોક્કસપણે, સક્ષમ છીએ અને ત્યારે જ આપણે એ સ્વપ્ન અને મુકામને જોઈએ છીએ અને જયારે કુદરત જ આપણને, આપણા મુકામનો વિચાર આપે છે, ત્યારે તેમને મેળવવાની શક્તિ પણ એટલી જ આપે છે અને જયારે આપણે એ મુકામને મેળવીશું ત્યારે આપણે, આપણી યાત્રાને અને મુકામ સુધીના પ્રવાસને, વટથી વર્ણવીશું અને અન્ય વ્યક્તિના મુકામ માટે, એટલી જ પ્રેરણા પૂરી પાડીશું.

- Advertisement -

જીવનની શરતનો આપણા પરિશ્રમ થકી જવાબ છે,
સંઘર્ષ અને મુશ્કેલીનો આ માર્ગ પણ લાજવાબ છે,
જીવનના નિયમોનો પણ આ માર્ગ થકી હિસાબ છે,
આપણી ઈચ્છા અને જીવનના નિયમ વચ્ચે આ પ્રવાસ લાજવાબ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular