જામનગર સંસદીય મત વિસ્તારના ત્રણ મહત્વના સ્થળો ઉપર રેલવે વિભાગ દ્વારા કોરોના સમયે રદ્ કરાયેલ સ્ટોપેજને પુન: ચાલુ કરવા માટે સાંસદ પૂનમબેન માડમની રેલવે મંત્રીને કરેલ રજૂઆત સફળ થઇ અને રજૂઆતને સુખદ વાંચા આપીને મુંબઇ-ઓખા ટ્રેનનો અલિયાબાડા, વડોદરા-જામનગર ઇન્ટરસીટી ટ્રેનનો જામવણથલી, ઓખા-રાજકોટ ટ્રેનનો જાલીયાદેવાણી ખાતે સ્ટોપ મંજૂર કરવામાં આવેલ છે. જેની અમલવારી સાંસદ પૂનમબેન માડમ દ્વારા રાજ્યના મંત્રી રાઘવજીભાઇ પટેલની ઉપસ્થિતિમાં તા. 16ના રોજ સવારે 10 કલાકે અલિયાબાડા રેલવે સ્ટેશને અને રાત્રે 10 કલાકે જામવંથલી રેલવે સ્ટેશને તેમજ રાત્રે 11:45 કલાકે જાલીયાદેવાણી રેલવે સ્ટેશન ઉપરથી ફલેગ ઓફથી શુભારંભ કરવામાં આવનાર છે.
આ તકે સાંસદ પૂનમબેન માડમએ રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી અને વિશેષ આભાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વ્યક્ત કર્યો છે. જેમના સામાન્ય અને છેવાડાના માનવીને યાતાયાતના મહત્વના માધ્યમ સાથે જોડવાનો સંકલ્પ છે. તેના લીધે તેમની સીધી દેખરેખ હેઠળ રેલવે વિભાગની સીમાવર્તી જામનગર સંસદીય મત વિસ્તારને પણ રેલવેની સુવિધાઓ ટ્રેનના સ્ટપોેજ, નવી ટ્રેનો, ઇલેકટ્રીફીકેશન, ડબલ ટ્રેક અને રેલવે સ્ટેશનોની સુવિધા અપગ્રેડ કરવાની કાર્યવાહી સતત થઇ રહી છે.