જામનગર શહેરમાં ગોકુલનગર જકાતનાકાથી સમર્પણ તરફના માર્ગ પરના સુભાષપરા વિસ્તારમાં રહેતાં યુવાનના મકાનના તસ્કરોએ તાળા તોડી ઘરમાં પ્રવેશી કબાટમાંથી રૂા.54,000 ની રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના સહિત રૂા.77,500 ની માલમતા ચોરી કરી ગયા હતાં. જામનગરના શિવમ ટેર્નામેન્ટમાં રહેતાં વિપ્ર યુવતીના મકાનમાં તસ્કરોએ તાળા તોડી 15 હજારની રોકડ રકમ અને તથા સોનાના દાગીના સહિત રૂા.51,000 ની માલમતાની ચોરીમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના બે વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં તસ્કરો ત્રાટકીને સવા લાખની માલમતા ચોરી કરી ગયા હતાં જેમાં પ્રથમ બનાવ, જામનગર શહેરમાં ગોકુલનગર જકાતનાકાથી સમર્પણ તરફ જવાના રોડ પર આવેલા સુભાષપરા શેરી નં.1 માં રહેતાં અને નોકરી કરતાં શૈલેષ હીરજીભાઈ પરમાર નામના યુવાનના બંધ મકાનમાં ગુરૂવારે રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતાં અને દરવાજાના નકૂચા તોડી મકાનમાં પ્રવેશી લોખંડના કબાટની તીજોરીમાં રાખેલી રૂા.54 હજારની રોકડ રકમ અને રૂા.16 હજારની કિંમતનો સોનાનો ચેઈન તથા ચાંદીનું મંગળસૂત્ર, ચાંદીના સાંકળા જોડી-1, ચાંદીની કંઠી-1 સહિતની રૂા.7,500 ની ચાંદીની વસ્તુઓ મળી કુલ રૂા.77,500ની માલમતાની ત્રણ ચોરી કરી ગયા હતાં.
તેમજ જામનગરમાં આવેલા શિવમ પાર્ક વિસ્તારમાં શિવમ ટેર્નામેન્ટ શેરી નં.4 અને મકાન નં.9 માં રહેતાં અને નોકરી કરતાં સ્વેતાબેન મુખોપાધ્યાય નામની યુવતીના બંધ મકાનમાં બે દિવસ પહેલાં અજાણ્યા તસ્કરોએ નકૂચાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી લોખંડના કબાટનો લોક તોડી તિજોરીમાં રાખેલી રૂા.15 હજારની રોકડ રકમ અને સોનાની કાનની બુંટી, જોડી-2 તથા બે નંગ વીટી મળી રૂા.36 હજારની કિંમતના સોનાના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂા.51,000 ની માલમતાની ચોરી કરી ગયા હતાં.
ઉપરોકત બન્ને બનાવોની જાણના આધારે પીએસઆઈ વી.કે. પરમાર તથા સ્ટાફે પ્રથમ બનાવમાં શૈલેષભાઈ પરમાર અને બીજા બનાવમાં સ્વેતાબેનના નિવેદનના આધારે ચોરીના બે ગુના નોંધી તસ્કરોનું પગેરું મેળવવા તપાસ આરંભી હતી અને આ બન્ને વિસ્તારોમાં રહેલાં સીસીટીવીના ફૂટેજો મેળવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.