છેલ્લા એક વર્ષમાં કોરોના મહામારી અને દેશવ્યાપી લોકડાઉન છતાં ભારતની અર્થવ્યવસ્થામાં ઉલ્લેખનીય ઉછાળો આવ્યો છે, તેવું વર્લ્ડ બેન્કે જણાવ્યું છે. વિશ્વ બેન્કે તાજા અહેવાલમાં ભવિષ્યવાણી કરી છે કે, 2021-22ના નાણાવર્ષમાં ભારતનો વાસ્તવિક ઘરેલુ સમગ્ર ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિદર 7.5 થી 12.5 ટકા રહી શકે છે.
વિશ્વ બેન્ક અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)ની વાર્ષિક બેઠક પહેલાં જારી કરાયેલા સાઉથ એશિયા ઈકોનોમિક ફોકસ રિપોર્ટમાં આવો વર્તારો અપાયો છે. કોરોના મહામારી આવવા પહેલાંથી જ ભારતની અર્થવ્યવસ્થા ધીમી હતી. વર્ષ 2017માં 8.3 ટકા પર પહોંચ્યા બાદ 2020ના નાણાં વર્ષમાં વિકાસદર ઘટીને ચાર ટકા થઈ ગયો હતો.’ દક્ષિણ એશિયા ક્ષેત્ર માટે વર્લ્ડ બેન્કના મુખ્ય અર્થશાત્રી હંસ ટિમરે કહ્યું હતું કે, ભારત એક વરસ પહેલાંની તુલનાએ કેટલું આગળ વધી ગયું છે તે આશ્ચર્યજનક છે. એક વર્ષ પહેલાં જુઓ, અભૂતપૂર્વ ઘટાડો હતો. રસી પર કોઈ સ્પષ્ટતા નહોતી. બીમારી પર ભારે અનિશ્ચિતતા હતી.
આજે ભારતે અર્થ વ્યવસ્થાના મોરચે કમાલની પ્રગતિ કરી છે. રસીકરણ અભિયાન છેડી દીધું છે. તેવું તેમણે ઉમેર્યું હતું.