જામનગર શહેરમાં આશાપુરા મંદિર પાસે આવેલાં વિસ્તારમાં રહેતા યુવાને તેની પત્ની રિસામણે જતાં મનમાં લાગી આવતાં ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.ધ્રોલ તાલુકાના લતીપર ગામના સીમ વિસ્તારમાં રહેતાં શ્રમિક મહિલાએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જામનગર તાલુકાના વરણા ગામમાં રહેતાં વૃધ્ધાને ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરમાં આશાપુરા મંદિર નજીક બાલમંદિર પાસે આવેલા વાલ્મિકી વાસમાં રહેતાં મહેશ નાનજીભાઇ વાધેલા (ઉ.વ.40) નામના યુવાનની પત્ની રિસામણે જતી રહેતાં મનમાં લાગી આવતાં રવિવારે સવારના સમયે નવાનાગના ગામની સીમમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણના આધારે હેકો. કે.કે.ગઢવી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ ધ્રોલ તાલુકાના લતીપર ગામની સીમમાં આવેલી રમેશભાઇની વાળીમાં મજૂરી કામ કરતા અંબિકાબેન મહેશભાઇ (ઉ.વ.40) નામના મહિલાએ ગત તા.21ના રોજ વહેલી સવારના પાંચ વાગ્યાના અરસામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેણીનું રવિવારે સાંજના સમયે સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે મુનીબાઇ દ્વારા જાણ કરતાં હેકો.કે.ડી.કામરીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ જામનગર તાલુકાના વરણા ગામમાં રહેતાં ત્રિવેદીબેન બાબુભાઇ નિમાવત (ઉ.વ.65) નામના વૃધ્ધાને ગત તા.22ના રોજ સાંજના સમયે ઝેરી જનાવર કરડી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગેની મૃતકના પુત્ર સંજય નિમાવત દ્વારા જાણ કરતાં હેકો. સી.જે.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્વજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.