દેશની 3 લોકસભા બેઠકો અને 14 રાજ્યની 30 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં બંગાળમાં ટીએમસી અને બિહારમાં જેડીયૂનો જાદૂ જોવા મળ્યો છે. હિમાચલ પ્રદેશમાં ભાજપને જોરદાર ઝટકો લાગ્યો છે. પેટા ચૂંટણીના પરિણામથી કોંગ્રેસ ગદગદ છે અને માને છે કે ભાજપનો જનાધાર ઘટી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ઉંચા ભાવ અને કાળઝાળ મોંઘવારીનું પરિણામ પેટા ચૂંટણીમાં જોવા મળ્યું છે.
મંગળવારે જાહેર થયેલા પરિણામમાં 30માંથી 16માં એનડીએ, 8માં કોંગ્રેસે અને બંગાળની ચારેય બેઠક પર તૃણમૂલ કોંગ્રેસે કબજો કર્યો હતો. ર બેઠક અન્ય પક્ષોએ જીતી હતી. ત્રણ લોકસભાની બેઠકોમાં એક શિવસેના, એક કોંગ્રેસ અને એક ભાજપે જીતી હતી. પેટા ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ ઝટકો હિમાચલ પ્રદેશમાં લાગ્યો છે. અહીં કોંગ્રેસે ક્લિનસ્વીપ કરતાં ત્રણ વિધાનસભા અને એક લોકસભા બેઠક જીતી છે. અહીં ભાજપના એક ઉમેદવારની ડિપોઝીટ ડૂલ થઈ હતી. રાજસ્થાનમાં કોંગ્રેસે ભાજપનો ગઢ ગણાતી ધરિયાબાદ બેઠક જીતી હતી ઉપરાંત વલ્લભનગર બેઠક પણ કબ્જે કરી હતી. આસામથી ભાજપને રાહત મળી અહીં એનડીએ એ પાંચેય બેઠકો જીતી હતી.
બિહારમાં કુશ્વેશ્વરસ્થાન બાદ તારાપુર વિધાનસભા બેઠક જેડીયૂએ જીતી છે. અહીં રસપ્રદ મુકાબલા બાદ જેડીયૂ ઉમેદવાર રાજીવ કુમાર 38ર1 મતોથી જીત્યા હતા. રાજનીતિના ધૂરંધર લાલુ યાદવની ચૂંટણી રણનીતિ બિહારમાં નિષ્ફળ જતી જોવા મળી છે. બંગાળમાં મમતા બેનર્જીનો જાદૂ છવાયો છે. પેટા ચૂંટણીની ચારેય વિધાનસભા બેઠક તૃણમૂલે કબજે કરી હતી. વોટ શેરમાં તૃણમૂલનો હિસ્સો 75 ટકા, ભાજપનો 14.5 ટકા અને કોંગ્રેસને ફાળે નોટા કરતાં પણ ઓછા 0.37 ટકા વોટ ગયા છે.
30 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં એનડીએને સૌથી વધુ 16 બેઠકો મળી છે. જેમાંથી 7 બેઠક ભાજપ અને 9 તેનાં સહયોગી દળોએ જીતી છે. ગત ચૂંટણીમાં જીતેલી પોતાની માત્ર 4 બેઠકો જ ભાજપ બચાવી શક્યો છે. જો કે એનડીએને 12 નવી બેઠકો મળી છે.
આ પેટાચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું છે અને તેણે 8 બેઠકો મેળવી છે. આમાંથી 4 બેઠકો તેણે જાળવી છે અને 4 ભાજપ પાસેથી છીનવી છે. પશ્ચિમ બંગાળમાં 4 બેઠકો ઉપર તૃણમૂલ કોંગ્રેસની જીત થઈ છે. જેમાં તેણે 2 બેઠકો બચાવી છે તો 2 બેઠકો ભાજપ પાસેથી આંચકી પણ છે. આ પેટાચૂંટણીમાં માત્ર બે બેઠકો ઉપર જ અન્ય પક્ષોને જીત મળી છે. આમાં આંધ્રની બડવેલ અને હરિયાણાની એલેનાબાદ સામેલ છે. આ બન્ને બેઠક અનુક્રમે વાયએસઆરસીપી અને આઈએનએલડીને મળી છે. ત્રણ લોકસભા બેઠકોમાંથી ભાજપ માત્ર મધ્યપ્રદેશની ખંડવા બેઠક બચાવવામાં સફળ થયો છે. જ્યારે હિમાચલમાં મંડીની બેઠક કોંગ્રેસનાં ખાતે ગઈ છે. જ્યારે દાદરા નગર હવેલીની બેઠક ઉપર શિવસેનાને જીત મળી છે.