આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના સંગઠન માળખાની જાહેરાત કરી છે. જામનગરના દુર્ગેશ ગડલીંગ અને મહિલા અગ્રણી દયાબેન મકવાણાને પ્રદેશમંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત દ્વારકા જિલ્લાના પ્રભારી તરીકે સંજય ગઢિયા અને સમગ્ર ગુજરાતના સોશિયલ મિડીયાના હેડ તરીકે દિવ્યેશ હિરપરા(અમદાવાદ)ની વરણી કરવામાં આવી છે. જોકે, પક્ષે રચેલાં અન્ય વિવિધ મોરચાઓ પૈકી એક પણ મોરચામાં જામનગર-દ્વારકા જિલ્લાના કોઇ અગ્રણીની વરણી થઇ નથી. દ્વારકાના મેસાભાઇ જોગલને પણ પ્રદેશ મંત્રી પદ આપવામાં આવ્યું છે.
આગામી વર્ષ 2022માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખી રાજકીય પક્ષો અત્યારથી જ ચૂંટણીમાં જીત મેળવવા રણનીતિઓ ઘડી રહી છે. આમ આદમી પાર્ટીએ મિશન 2022 અંતર્ગત સંગઠનનું માળખું તૈયાર જાહેર કર્યું છે. શનિવારે અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રદેશ સમિતિની બેઠકમાં નવા સંગઠનના હોદ્દાઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લોક ગાયક કલાકાર વિજય સુવાળા સહિત ત્રણ પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામા આવ્યા છે. સાગર રબારીને પ્રદેશ મહામંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે. જો કે, આપના નેતા ઈશુદાન ગઢવી અને મહેશ સવાણીને સંગઠનમાં કોઈ હોદ્દો આપવામાં આવ્યો નથી.
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના મેમ્બર છે અને ગુજરાતમાં હાલમાં તેઓને જવાબદારી નથી સોંપાઇ. તેઓને ભવિષ્યમાં ગુજરાતની વિશેષ જવાબદારી સોંપવામાં આવશે. તે રીતે મહેશ સવાણીને પણ પ્રદેશમાં પાર્ટીના નેતાની જવાબદારી સોંપાશે. પ્રદેશથી લઈ નગર સુધીના નેતાઓની મળેલી બેઠકમાં પ્રદેશના નેતાઓ દિલ્લીમાં અરવિંદ કેજરીવાલની મુલાકાત કરી આવ્યા બાદ ત્યાં થયેલી ચર્ચા વિશે વાતચીત થઈ હતી. 22 ટકા જનતાએ પરિવર્તનની રાજનીતિ એટલે કે આમ આદમી પાર્ટીને વોટ આપ્યો છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં વધુ તાકાત લગાવી જીત મેળવવા માટે બુથ લેવલની કામગીરી કરવા માટે તૈયારી કરવા જણાવ્યું હતું.
અમદાવાદના નરોડા વિસ્તારમાં મેવાડા પાર્ટી પ્લોટ ખાતે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓનું સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ, જિલ્લા, તાલુકા, મહાનગર અને નગરના તમામ નેતાઓ હાજર રહ્યાં હતાં. સંમેલનમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી ઠરાવ કરવામાં આવ્યો હતો. ગુજરાતની જનતાના સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગારી, ખેતી, વીજળી, આદિવાસી અને દલિત લોકોના પ્રશ્નો મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરશે. જો યોગ્ય રીતે રજૂઆતને ધ્યાનમાં લઈ કામગીરી નહિ થાય તો તબક્કાવાર જનઆંદોલન કરવામાં આવશે તેમ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું છે.