Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયફૂડ ઇન્ડેકસ સાડા છ વર્ષની ટોચે અને ઓઇલ ઇન્ડેકસ નવ વર્ષની ટોચે

ફૂડ ઇન્ડેકસ સાડા છ વર્ષની ટોચે અને ઓઇલ ઇન્ડેકસ નવ વર્ષની ટોચે

- Advertisement -

વિશ્વબજારમાં 2020ના કોરોના કાળમાં ખાદ્યપદાર્થોના ભાવ ઊંચા જતા જોવા મળ્યા હતા અને હવે જ્યારે 2021નું નવું વર્ષ પણ શરૂ થઈ ગયું છે તથા વિશ્વના વિવિધ દેશોમાં કોરોનાના વ્યાપ ઘટતાં અને લોકડાઉન હળવો થતાં તથા હવે વેકસીનેશન પણ શરૂ થઈ ગયું છે ત્યારે આવા માહોલમાં પણ વૈશ્વિક સ્તરે વિવિધ ખાદ્યપદાર્થોના ભાવમાં આગેકૂચ ચાલુ રહી હોવાના સમાચાર મળ્યા છે. વૈશ્વિક ફૂડના ભાવ ફેબ્રુઆરીમાં પણ ઉંચા જતાં પાછલા સતત નવ મહિનાથી આ ફુડના ભાવનો આંક ઉંચો જતો જોવા મળ્યો છે.

- Advertisement -

વિશ્વબજારમાં કોરોના કાળમાં વિવિધ દેશોમાં લોકડાઉનની સ્થિતિમાં લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા તેવા માહોલમાં ખાદ્યપદાર્થોની માગમાં વિશેષ વૃધ્ધિ જોવા મળી હતી અને આવી વધેલી માગ હજી પણ જળવાઈ રહી હોવાનું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું.

તાજેતરમાં વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવનો ફૂડ ઈન્ડેક્સ વધી જુલાઈ 2014 પછીના નવા ઉંચા મથાળાને આંબી જતાં સાડા છ વર્ષનો રેકોર્ડ તૂટયાના નિર્દેશો મળ્યા છે. આ ગાળામાં વૈશ્વિક સ્તરે ખાસ કરીને ખાંડના ભાવમાં તથા ખાદ્યતેલોના ભાવમાં નોંધપાત્ર વૃધ્ધિ જોવા મળી છે, એવું યુનાઈટેડ નેશન્સની ફુડ એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું.

- Advertisement -

ધી ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનનો ફુડ પ્રાઈસ ઈન્ડેક્સ જે જાન્યુઆરીમાં 113 પોઈન્ટ આસપાસ નોંધાયો હતો તે ફેબ્રુઆરીમાં વધુ 116 પોઈન્ટ થયાના સમાચાર મળ્યા છે. આ ઈન્ડેકસમાં અનાજ, કઠોળ, તેલીબિયાં, દુધ ઉત્પાદનો, ખાંડ સહિતના વિવિધ ખાદ્યપદાર્થોનો સમાવેશ કરવામાં આવ્યો છે તથા આ ખાદ્યપદાર્થોના ભાવની વધઘટ પાછળ આવા ઈન્ડેકસમાં ચડઉતર થતી હોય છે. આ ઈન્ડેક્સ પાછલા નવ મહિનાથી સતત વધતો જોવા મળ્યો છે.

આમાં અનાજ કઠોળનો ઈન્ડેક્સ જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં આશરે 1.20 ટકા જેટલો વધ્યો છે. જાડા- બરછટ ધાન્યોમાં સોરધમના ભાવ મંથલી ધોરણે 17.40 ટકા તથા વાર્ષિક ધોરણે 82.10 ટકા ઉછળ્યા છે. આ માલોમાં ચીનની માગ આ ગાળામાં વિશેષ જોવા મળી હતી.

- Advertisement -

દરમિયાન આ ગાળામાં મકાઈ તથા ચોખાના ભાવ પણ વધ્યા છે. જોકે ઘઉંના નિકાસ ભાવ આ ગાળામાં ઓછાવત્તા અંગે જળવાયેલા રહ્યા હોવાનું ધી ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, ખાંડના ભાવ મંથલી ધોરણે 6.40 ટકા જેટલા વધ્યા છે. ખાંડમાં મુખ્ય ઉત્પાદક દેશોમાં ઓછું ઉત્પાદન તથા એશિયાના દેશોની વધેલી માગના પગલે ખાંડના ભાવનો ઈન્ડેક્સ ઉંચકાયો છે.

ખાદ્યતેલોના ભાવનો ઈન્ડેક્સ 6.20 ટકા વધતાં આવો ઈન્ડેક્સ ઉંચકાઈ વધી એપ્રિલ- 2012 પછીના નવા ઉંચા મથાળાને આંબી ગયાના સમાચાર મળ્યા છે. વિશ્વબજારમાં પામતેલના ભાવ પાછલા સતત નવ મહિનાથી વધતા જોવા મળ્યા છે અને તેના પગલે ખાદ્યતેલોના ભાવનો ઈન્ડેક્સ ઊંચકાતો રહ્યો છે.

પામતેલમાં મુખ્ય ઉત્પાદક દેશોમાં સ્ટોક અપેક્ષાથી ઓછો રહેતાં તથા આના પગલે આવા દેશો દ્વારા નિકાસ બજારમાં માલ ઓછો ઠલવાતાં આ ઈન્ડેક્સ ઉંચકાયો હોવાનું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે અનાજ- કઠોળના પુરવઠાનો અંદાજ 2.744 અબજ ટનથી વધારીને તાજેતરમાં 2.761 અબજ ટન કરવામાં આવ્યાના સમાચાર મળ્યા છે.

આમાં વિશેષરૂપે ઘઉંના પુરવઠાનો અંદાજ આશરે 75 લાખ ટન વૈશ્વિક ધોરણે વધારવામાં આવ્યો છે. દરમિયાન, વૈશ્વિક ધોરણે ચોખાના ઉત્પાદનનો અંદાજ પણ 26 લાખ ટન વધારવામાં આવ્યો છે. ભારતમાં ચોખાનું ઉત્પાદન વધ્યાના નિર્દેશોએ વૈશ્વિક કુલ ઉત્પાદનનો અંદાજ ચોખામાં વધ્યો હોવાનું વિશ્વ બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular