જામનગર શહેરમાં ટાઉનહોલ નજીક ગઇકાલે સાંજના સમયે પેસેન્જર યુવતીની રીક્ષાચાલક દ્વારા છેડતી કરાતાં ચાલકની જાહેરમાં યુવતી તથા શહેરીજનોએ ધોલાઇ કરી પોલીસને સોંપી આપ્યો હતો.

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ટાઉનહોલ નજીક ભીડભંજન મહાદેવના મંદિરની સામેના રોડ પર રિક્ષામાં મુસાફરી કરી રહેલી એક યુવતીની રિક્ષાચાલક દ્વારા છેડતી કરાતાં યુવતીએ રોડ પર રિક્ષા રોકાવી ચાલકને લમધાર્યો હતો. જાહેરમાં ચાલકને લમધારતાં લોકો એકઠા થઇ ગયા હતા. અને ત્યારબાદ યુવતીની છેડતી કરનાર રિક્ષાચાલકને લોકોએ પણ મેથીપાક ચખાડયો હતો. ત્યારબાદ આ બનાવ અંગેની જાણ કરી સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યો હતો. યુવતી દ્વારા ફરિયાદ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.