જામજોધપુર તાલુકાના સોગઠી ડેમમાં ગાબડું પડતાં જિલ્લા વહિવટીતંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક ધોરણે ડેમસાઇટની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ જરૂર પડે તો સ્થળાંતર કરવાની કામગીરીની તૈયારી પણ કરવામાં આવી હતી.
જામજોધપુર તાલુકાના જશાપર ગામે આવેલ સોગઠી ડેમમાં ભારે વરસાદ પડવાને કારણે ગાબડું પડયું હોવાની ઘટના સામે આવી છે. જેને લઇ જામનગર જિલ્લા વહિવટીતંત્ર તથા પોલીસ વિભાગમાં દોડધામ મચી છે. ગઇકાલે રાત્રિના સમયે આ ઘટના ધ્યાને આવતા લાલપુર પ્રાંત અધિકારી અસ્વાર, સિંચાઇ વિભાગના ઇજનેર અકબરી, જામજોધપુરના મામલતદાર કેતન વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી બલદાણિયા સહિતના અધિકારીઓ ડેમસાઇટ ખાતે દોડી ગયા હતા. અને ડેમ સાઇટની સ્થળ મુલાકાત લઇ સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું. રાત્રિના સમયે વરસાદ પણ ચાલુ હોય આ ઘટના અંગે ચોકકસ સ્થિતિ તેમજ કેટલું નુકસાન છે તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવી ન હતી. ડેમ ઓવરફલો થઇ રહ્યો હોય નુકસાનીની પરિસ્થિતિ અંગેનો તાગ મેળવવો મુશ્કેલ હતો. પરંતુ અધિકારીઓ દ્વારા સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
જો પાણીનું વહેણ વધે તો અને જાનમાલનું નુકસાન અટકાવવા તેમજ લોકોનું સ્થળાંતર કરાવાની ફરજ પડે તો તે માટેની ત્વરિત કામગીરી માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ડેમની હેઠવાસમાં આવતા જશાપર ગોરખડી, ધ્રાફા સહિતના વિસ્તારોને પરિસ્થિતિ અવગત કરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત જો સ્થળાંતર કરવાની સ્થિતિ સર્જાય તો ડેમના હેઠવાસમાં આવતા દરેક ગામોમાં નાયબ મામલતદાર, તલાટી સહિતના સ્ટાફની જરૂરી કાર્યવાહી કરવા માટે લાલપુર પ્રાંત અધિકારી દ્વારા ફાળવણી કરવામાં આવી છે. તેમજ મામલતદાર કચેરી જામજોધપુરના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પણ પળેપળેની વિગતો મેળવી તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.