જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા નિલકંઠ મહાદેવ મંદિરના પુજારીએ દર્શન કરવા આવેલી યુવતી પાસે દર્શન કરવાના રૂપિયા માંગી બોલાચાલી અને ગાળાગાળી કરી લોખંડના સળિયા જેવા હથિયાર વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર દયાનંદ સોસાયટીમાં નિલકંઠ મહાદેવના મંદિરની બાજુમાં રહેતી પુજાબેન પરસોતમભાઈ પરમાર નામની યુવતી ગત તા.30 ના રોજ સાંજના 7 વાગ્યાના અરસામાં તેના ઘરની બાજુમાં આવેલ નિલકંઠ મહાદેવ મંદિરમાં પાડોશી બે યુવતીઓ સાથે દર્શન કરવા ગઈ હતી તે સમયે મંદિરના પુજારી સ્વામી સત્યાનંદ સરસ્વતિએ ત્રણેય યુવતીઓને દર્શન કરવાની ના પાડી હતી અને ‘દર્શન કરવા હોય તો 51 રૂપિયા આપવા પડશે’ એમ જણાવતા ત્રણેય યુવતીઓએ સ્વામીને ‘દર્શન કરવાના રૂપિયા થોડા આપવાના હોય’ તેમ જણાવતા સ્વામીએ યુવતીઓ સાથે બોલાચાલી કરતા યુવતી દ્વારા સમજાવવા જતાં સ્વામીએ યુવતીઓ સાથે ગાળાગાળી અને બોલાચાલી કરી લોખંડના સળિયા જેવા હથિયાર વડે પુજાબેન ઉપર હુમલો કરી હથેળી અને ગોઠણમાં ઈજા પહોંચાડી હતી તેમજ દર્શન કરવા મંદિરમાં આવીશ તો મારી નાખવાની ધમકી આપી હતી.
યુવતી ઉપર મંદિરમાં દર્શન કરવાની બાબતે સ્વામી સત્યાનંદ સરસ્વતિએ કરેલા હુમલા અંગેની પુજાબેન દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.જી. રાજ તથા સ્ટાફે સ્વામી વિરૂધ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં પુજારી દ્વારા દર્શન કરવાની ના પાડી યુવતી ઉપર હુમલો કર્યાના બનાવે શહેરભરમાં ભારે ચકચાર જાગી છે.


