લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ભરાતી રવિવારી માર્કેટમાં જાહેરમાં નશીલા પદાર્થ ઓપીએડનું વેંચાણ કરાતા સ્થળે એસઓજીની ટીમે રેઈડ દરમિયાન પંજાબના બે શખ્સોને દબોચી લઇ તેમની પાસેથી 33 ગ્રામ નશીલા પદાર્થ અને રોકડ તથા મોબાઇલ મળી કુલ રૂા.6,93,600 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેર અને જિલ્લામાંથી સમયાંતરે નશીલા પદાર્થનું વેંચાણ થતું હોવાના સ્થળે પોલીસ દ્વારા દરોડો પાડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જિલ્લામાં નશીલા પદાર્થનું વેંચાણ સમયાંતરે વધતું જાય છે. દરમિયાન લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રામદૂતનગર વિસ્તારમાં મચ્છીમાર્કેટ પાસે આવેલી રવિવારી માર્કેટના પટ્ટમાં જાહેરમાં ઓપીએડ (હેરોઇન, મોફીન, કોડેટ) જેવા નશીલા પદાર્થોનું વેંચાણ કરાતું હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનીની સુચનાથી એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ પીઆઈ વી.બી. ચૌધરી, પીએસઆઈ એ.વી. ખેર તથા સ્ટાફે રેઈડ દરમિયાન હરપાલસિંઘ સ્વર્ણસિંઘ મજબીશીખ (ઉ.વ.30) (રહે.મેઘપર, મુળ – કથુનાંગલ, જિ. અમૃતસર, પંજાબ) અને રમનદિપસિંઘ સુલાખાન મજબીશીખ (ઉ.વ.28) (રહે. મેઘપર, મુળ – ખબારાજપુતાના, જિ. અમૃતસર, પંજાબ) નામના બે શખ્સોને નશીલા પદાર્થના જથ્થા સાથે દબોચી લીધા હતાં.
એસઓજીની ટીમે પંજાબના બંને શખ્સો પાસેથી રૂા.6,60,000 ની કિંમતનો 33 ગ્રામ ઓપીએડ (હેરોઇન, મોફીન, કોડેટ) નો જથ્થો તેમજ રૂા.30,000 ની કિંમતના બે મોબાઇલ ફોન અને રૂા.500ની કિંમતનો વજનકાંટો તથા રૂા.3,100 ની રોકડ રકમ મળી કુલ રૂા.6,93,600 નો મુદ્દામાલ કબ્જે કરી આ નશીલા પદાર્થનો જથ્થો કોની પાસેથી, કયારે અને કેટલામાં ખરીદ કર્યો ? તે અંગેની પુછપરછ હાથ ધરી બંને શખ્સો વિરૂધ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


