જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતાં યુવાને તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર તાલુકાના નેવી મોડા ગામમાં રહેતાં વૃદ્ધ તેની વાડીએથી ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં અચાનક પડી જતાં માથામાં ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરમાં સમર્પણ રેલવે ફાટક નજીકથી પસાર થતી ટે્રન હેઠળ આવી જતાં અજાણી મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં આવેલા હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતો કિશન કારાભાઈ રાઠોડ (ઉ.વ.25) નામના યુવાને મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે કોઇ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવાનને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકના ભાઈ કાસમ દ્વારા જાણ કરાતા હેકો એ.જી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કયા કારણોસર આત્મહત્યા કરી ? તે અંગેની તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના નેવી મોડા ગામમાં રહેતા કમાભાઈ પેથાભાઈ યાદવ (ઉ.વ.60) નામના વૃદ્ધ મંગળવારે વહેલીસવારના સમયે તેના ખેતરેથી ઘરે આવતા હતાં ત્યારે રસ્તામાં અચાનક પડી જતાં માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું બુધવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર ઉમેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગર શહેરમાં સમર્પણ ફાટક નજીક આવેલી રેલવે ટે્રક પરથી પસાર થતી ટે્રન હેઠળ આવી જતાં આશરે 50 વર્ષની અજાણી મહિલાનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. સ્ટેશન માસ્તર રાજેશકુમાર દ્વારા જાણ કરાતા પીએસઆઈ એચ.જે. પરિયાણી તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી અજાણી મહિલાના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.


