Monday, August 17, 2026
Homeહેલ્થ એન્ડ વેલનેસ‘ઊની ઊની રોટલી ને કારેલાનું શાક': ચોમાસામાં જ કેમ ગવાય છે આ...

‘ઊની ઊની રોટલી ને કારેલાનું શાક’: ચોમાસામાં જ કેમ ગવાય છે આ ગુણકારી શાકના ગુણગાન?

‘આવરે વરસાદ, ઘેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક…’ નાનપણથી આપણા કાનમાં ગૂંજતું આ બાળગીત માત્ર મનોરંજન નથી, પરંતુ આપણા પૂર્વજોની ઊંડી સ્વાસ્થ્ય સમજણ અને પરંપરાનું ઉત્તમ ઉદાહરણ છે. ચોમાસાની મોસમ ખીલી ઉઠે ત્યારે વાતાવરણમાં ભેજ અને બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે. આવી સ્થિતિમાં શરીરને રોગમુક્ત અને મજબૂત રાખવા માટે કારેલું એક કુદરતી ઔષધિ સમાન બની રહે છે.ત્યારે ચાલો ચોમાસામાં કરેલા વિષે કેટલુક જાણીએ….

- Advertisement -

ચોમાસામાં કારેલું શા માટે ઉત્તમ છે?

  • રોગપ્રતિકારક શક્તિ માં વધારો: ચોમાસામાં વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ અને તાવનો ભય વધી જાય છે. કારેલામાં વિટામિન C, A અને ભરપૂર માત્રામાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ હોય છે, જે શરીરની પ્રતિકારક શક્તિ વધારે છે.
  • પાચનતંત્ર સુધારે છે: વરસાદની ઋતુમાં ભેજવાળા વાતાવરણને કારણે પાચનક્રિયા મંદ પડી જતી હોય છે. કારેલામાં રહેલા ફાઇબર અને ‘એન્ટિ-માઇક્રોબાયલ’ ગુણો પાચનશક્તિને મજબૂત બનાવે છે તથા ગેસ, અપચો અને પેટના ઇન્ફેક્શન દૂર રાખે છે.
  • બ્લડ સુગર નિયંત્રણ: મધુમેહ ના દર્દીઓ માટે કારેલું વરદાન સમાન છે. ચોમાસામાં શારીરિક શ્રમ ઓછો થવાને કારણે સુગર વધવાની શક્યતા રહે છે, ત્યારે કારેલામાં રહેલું ‘ચરાંતિન’ અને ‘પોલીપેપ્ટાઈડ-પી’ ઇન્સ્યુલિનની જેમ કામ કરીને બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે.
  • લોહી શુદ્ધ કરે છે અને ત્વચા માટે ગુણકારી: વરસાદી મોસમમાં ચામડીના રોગો, દાદર, ખીલ કે એલર્જીની સમસ્યા વધે છે. કારેલાનું શાક કે તેનો જ્યુસ લોહીને કુદરતી રીતે સાફ કરે છે, જેથી ત્વચા પર ચમક આવે છે અને ચામડીના સંક્રમણથી બચાવ થાય છે.
  • લિવરની સફાઈ: કારેલું લિવર માટે શ્રેષ્ઠ ડીટોક્સિફાયર છે. તે યકૃતની કાર્યક્ષમતા વધારીને શરીરમાંથી ઝેરી તત્વો બહાર ફેંકવામાં મદદ કરે છે.

કોણે સેવન કરવું?

  • મધુમેહના દર્દીઓ: બ્લડ સુગરને ઝડપથી નિયંત્રિત રાખવા માટે.
  • વજન ઘટાડવા ઈચ્છતા લોકો: તેમાં કેલરી નહિવત અને ફાઈબર વધુ હોવાથી વજન ઉતારવામાં મદદ મળે છે.
  • ફેટી લિવર કે ચામડીની સમસ્યાવાળા: લોહી અને લિવરને ડીટોક્સ કરવા માટે.

કોણે સાવધાની રાખવી કે ન ખાવું?

  • સગર્ભા મહિલાઓ: વધુ પડતું સેવન ગર્ભાશયના સંકોચનનું કારણ બની શકે છે.
  • લો-સુગરના દર્દીઓ: કારેલું સુગર ખૂબ ઝડપથી ઘટાડે છે, જેથી સુગર ડાઉન થવાની શક્યતા રહે છે.
  • પેટની સર્જરી કરાવી હોય કે સતત એસિડિટી રહેતી હોય: શરૂઆતી તબક્કે તબીબી સલાહ લઈને જ સેવન કરવું.

બાળકોને કારેલું ખવડાવવાની ઉપયોગી ટીપ્સ

  • કડવાશ ઓછી કરો: સુધારેલા કારેલા પર મીઠું ભભરાવી ૧૫-૨૦ મિનિટ રાખી નીચોવી લેવું.
  • ચિપ્સ કે કુરકુરે કારેલા: કારેલાની પાતળી પતરી કરી બેસન-મસાલા સાથે ડીપ ફ્રાય કે એર ફ્રાય કરીને આપવું.
  • ગોળ-આંબલીનું મિશ્રણ: શાકમાં ગોળ અને આંબલીનું ખાટુ-મીઠું સંયોજન ઉમેરવાથી કડવાશ ઢંકાઈ જાય છે.
  • સ્ટફ્ડ (ભરેલા) કારેલા: પનીર, ચણાનો લોટ કે બટાકાનું સ્ટફિંગ બનાવીને કારેલા ચટાકેદાર બનાવી શકાય.

રસોડાની ખાસ ટીપ

કારેલાના પોષક ગુણધર્મો જાળવી રાખવા માટે તેને વધુ પડતાં તેલમાં તળવા નહીં. છોલ ઉતારતી વખતે પણ તેની ઉપરની લીલી છાલ વધુ પડતી ન છોલવી જેથી પોષક તત્વો સચવાઈ રહે.

નાનપણમાં જે કારેલાનું નામ સાંભળીને મોં બગડતું હતું, તે જ કારેલું ચોમાસામાં શરીરની સુરક્ષા માટે એક અદ્ભુત સુપરફૂડ સાબિત થાય છે. ‘આવરે વરસાદ’ ની મીઠી યાદો સાથે ગરમાગરમ રોટલી અને પોષક તત્વોથી ભરપૂર કારેલાના શાકનો આનંદ લઈને આ ચોમાસે આપણી તંદુરસ્તી જાળવીએ.

- Advertisement -

(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular