મોરબીના વેપારી યુવક સાથે રાજકોટ અને જામનગરના આઠ શખ્સોએ વિશ્ર્વાસમાં લઇ કોપરની ખરીદી કરી રૂપિયા 81 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
છેતરપિંડીના બનાવની વિગત મુજબ મોરબીના ભક્તિનગર વિસ્તારમાં ધર્મસૃષ્ટિ સોસાયટીમાં રહેતાં મીત દેવાભાઇ અવાડિયા (ઉ.વ.21) નામના વેપારી યુવક સાથે રાજકોટની એક્ટિવ એન્ટરપ્રાઇઝના ગોપાલ મનસુખ પટેલ નામના શખ્સ દ્વારા જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી, ફેઇઝ 3, પ્લોટ નંબર 4117માં આવેલા શ્રીજી એન્ટરપ્રાઇઝના પરેશ દેવશી ગોહિલ સાથે સંપર્ક કરાવ્યો હતો અને આ બન્ને શખ્સએ મિતને વિશ્વાસમાં લઇ વ્યાપારિક સંબંધ કેળવી પોતાની પેઢીનો ટ્રેડ એગ્રીમેન્ટ કરાવ્યો હતો. ત્યારબાદ ગોપાલ પટેલ અને પરેશ દેવશી ગોહિલ તથા દેવસિંહ ખેમસિંગ ખરવડ, હાફિસ, ભૂપેન્દ્રસિંહ જાડેજા, જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ મહિપતસિંહ સરવૈયા, સાવરિયા મેટલ્સવાળા વિનોદકુમાર બાહેદિયા સહિતના આઠ શખ્સોએ એકસંપ કરી મીત અવાડિયા પાસેથી રૂા. 1371 કિલોના લેખે 5 ટન મીલબેરી પ્રકારનો કોપરનો રૂા. 81,04,123ના માતબર જથ્થાની ખરીદી કરી હતી. ત્યારબાદ મીત દ્વારા અવારનવાર આ કોપરના બાકી રૂપિયા માટે ઉઘરાણી કરવા છતાં આઠ શખ્સો દ્વારા પેમેન્ટ ચૂકવવામાં આવ્યું ન હતું. ત્યારબાદ ઉઘરાણી કંટાળેલા મીતએ આખરે પંચકોષી ‘બી’ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે પીઆઇ વી. જે. રાઠોડ તથા સ્ટાફે મોરબીના વેપારી મીતના નિવેદનના આધારે ગોપાલ મનસુખ પટેલ, પરેશ દેવશી ગોહિલ, દેવસિંહ ખેમસિંગ ખરવડ, હાફિસ, ભૂપેન્દ્રસિંહ જાડેજા, જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ મહિપતસિંહ સરવૈયા, વિનોદકુમાર બાહેદિયા સહિતના આઠ શખ્સો વિરૂદ્ધ વિશ્વાસઘાત તથા છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


