ખંભાળિયામાં રહેતા શખ્સએ થોડા સમય પૂર્વે પોતાની ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.માં પિતાના પરવાનાવાળા હથિયાર વડે રિલ બનાવીને અપલોડ કરતા તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા આ શખ્સને એસ.ઓ.જી. પોલીસે દબોચી લઈ પિતા પુત્ર સામે ગુનો નોંધ્યો હતો.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં શીરૂ તળાવ ખાતે રહેતા અને મેડિકલ પ્રેક્ટિસ કરતા અનિલ રામજીભાઈ કછટીયા નામના 32 વર્ષના શખ્સ દ્વારા પોતે કોઈપણ પ્રકારનું હથિયારનું લાયસન્સ ધરાવતો ન હોવા તેમજ હથિયાર અંગેની તાલીમ લીધી ન હોવા છતાં પણ પોતાના પિતા રામજીભાઈ વશરામભાઈ કછટીયાના નામની પરવાનાવારી 12 બોર ડબલ બેરલ ગન (હથિયાર) તથા કાર્ટીજ ભરેલા બેલ્ટ વડે ભયજનક રીતે તેમજ બેદરકારીપૂર્વક માનવ જીવન જોખમાય તે રીતે પોતાના ખંભા ઉપર બંધુક રાખી, લગ્ન પ્રસંગમાં જાહેર ઊભા રહી ઉજવણી કરી હતી.
આ રીતે તેણે ફોટા અને વિડિયો બનાવી અને તે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ “ડો. અનિલ કછટીયા” પર અપલોડ કર્યા હતા. આ બાબત એસ.ઓ.જી. પોલીસના ધ્યાને આવતા આરોપી અનિલ કછટીયા તેમજ તેના પિતા રામજી વશરામભાઈ કછટીયા સામે હથિયારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
જે સંદર્ભે એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા અને પબુભાઈ નાથાભાઈ માયાણી દ્વારા જરૂરી કાર્યવાહી કરી, ઉપરોક્ત આરોપી અનિલ રામજીભાઈ કછટીયાને ઝડપી લીધો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ડિસેમ્બર 2020માં બનેલા આ બનાવની પોલીસ ફરિયાદ તા. 26 ઓગસ્ટ 2026ના નોંધાઈ છે. આ પ્રકરણમાં આગળની તપાસ ખંભાળિયાના પી.એસ.આઈ. સાંધ દ્વારા ચલાવવામાં આવી રહી છે.


