જામનગર જીલ્લાના લાલપુર નજીક આવેલા શ્રી ભોળેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને શ્રાવણ માસના દરેક સોમવારે મોટી સંખ્યામાં શિવભક્તો દાદાના દર્શન માટે ઉમટી પડે છે.
રવિવારની રાતથી જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ જાય છે. આસપાસના ગામો તેમજ જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા તેમજ વિવિધ વાહનો મારફતે ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચે છે.
મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તિમય માહોલ સર્જાય છે. હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તો શિવલિંગના દર્શન કરી પૂજા-અર્ચના અને અભિષેકનો લાભ લે છે.
View this post on Instagram
મંદિરના વર્તમાન પૂજારી ભાવેશપુરી અશોકપુરી ગોસ્વામીના જણાવ્યા મુજબ, ભોળેશ્વર મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું હોવાનું પૌરાણિક માનવામાં આવે છે.
ભક્તો અને પૂજારીઓની માન્યતા મુજબ અહીંનું સ્વયંભૂ શિવલિંગ દર વર્ષે ચોખાના દાણા જેટલું વધતું હોવાનું કહેવાય છે. આ ધાર્મિક માન્યતા સાથે ભોળેશ્વર મહાદેવ પ્રત્યે ભક્તોમાં વિશેષ આસ્થા જોવા મળે છે.
શ્રાવણ માસના દર સોમવારે મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. ખાસ કરીને સોમવારના દિવસે મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળે છે.
શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસના પવિત્ર દિવસે અહીં વિશાળ મેળાનું પણ આયોજન થાય છે. આ મેળામાં આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો આવે છે.
શ્રાવણ માસ દરમિયાન ભોળેશ્વર મહાદેવ મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના શ્રદ્ધાળુઓ માટે ભક્તિ અને આધ્યાત્મિકતાનું મહત્વનું સ્થળ બની રહે છે.


