Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરદુકાનો સીલ: આ કાર્યવાહી, સમાચાર કે ચિંતાનો વિષય?!

દુકાનો સીલ: આ કાર્યવાહી, સમાચાર કે ચિંતાનો વિષય?!

- Advertisement -

જામનગર સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં કોરોના મહામારીએ આડો આંક વાળ્યો છે. લાખોની સંખ્યામાં સંક્રમિતો જાહેર થાય છે. હજારો લોકો મોતને ભેટી રહ્યા છે અનેક તબિબી ચિજોની અછતો જોવા મળી રહી છે. હોસ્પિટલોમાં ખાટલાં ખાલી નથી.સર્વત્ર ચિંતા, શોક અને ગમગીનીનું વાતાવરણ છે. આ સ્થિતિમાં આપણી સૌની ફરજ છે કે, આપણે સરકારને અને તંત્રને સહયોગ આપીએ અને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જરૂરી તકેદારી રાખીએ. આટલે સુધી વાત બરાબર છે. પરંતુ કોરોના ના નામે તંત્રો જોહૂકમી કરે અને કોઇનો રોટલો છીનવાઇ જાય ! માણસ ભૂખે મરવા મજબૂર બને ! એ કેટલું વ્યાજબી લેખાય ?! આ પ્રશ્ન દેશભરની સાથે સાથે જામનગરમાં પણ ઉઠવા પામ્યો છે! પ્રશ્ન ઉભો થવા પાછળ કારણ એ છે કે, તંત્ર સવાર પડે એટલે પોતાની કામગીરી દેખાડવા નગરજનોની દુકાનોના શટર પાડી દે છે ! દુકાન સીલ ! દુકાનમાં કામ કરતાં કર્મચારીઓએ ભૂખે મરવાનું ! આ મુદ્ો તંત્ર કયારેય વિચારે છે ? શા માટે નથી વિચારતું ? તંત્રવાહકો સંવેદનશીલ નથી?! ગુજરાત સરકાર સંવેદનશીલ છે એવું આપણે સૌ જાહેરાતો મારફત જાણીએ છીએ.

- Advertisement -

એપીડેમિક એકટ અને વહિવટી તંત્રના જાહેરનામાઓ અધિકારીઓને વિશાળ સતાઓ આપે છે. પરંતુ સતાનો ઉપયોગ વિવેકપૂર્વક થવો જરૂરી છે. વિવેકની ગેરહાજરીમાં સતા પ્રતાડનનું સાધન બની જતી હોય છે. લોકો પરેશાન થતાં હોય છે. જે ન થવું જોઇએ.

જામનગરમાં એસડીએમ તથા પોલીસ અધિકારી તથા કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓ માસ્ક,સોશ્યલ ડિસ્ટન્સ અને જાહેરનામાઓ સંબંધી ગાઇડલાઇનનો અમલ કરાવવા માટે જામનગરમાં દુકાનો અને હોટેલો તેમજ રેસ્ટોરન્ટ સીલ કરી દે છે. તંત્રોની આ કાર્યવાહીનો વિરોધ નથી.પરંતુ કોઇ પણ કાયદા અથવા નિયમનું પાલન કરાવતી વખતે તંત્રનું વલણ બુધ્ધિગમ્ય અને માનવતાવાદી હોય તે જરૂરી છે.

- Advertisement -

કોઇ પણ દુકાન ધારક કે હોટેલ ધારક કોઇ ગાઇડલાઇનનો ભંગ કરે અથવા આ ધંધાના સ્થળે ગ્રાહકો દ્વારા કોઇ ગાઇડલાઇન કે જાહેરનામાનો ભંગ થતો હોય તો તંત્રએ પ્રથમ તે ધંધાર્થીને તથા ગ્રાહકને જાગૃતિના અર્થમાં વિનંતી અને ચેતવણી આપવાની હોય. છતાં પણ ધંધાર્થી અથવા ગ્રાહક ન સમજે તો કેસ નોંધવાનો હોય. કેસ અદાલતમાં ચાલે અથવા તંત્ર પોતાની વિશાળ સતા મૂજબ કેસનો નિર્ણય કરે. પરંતુ કોઇનો ધંધો બંધ કરવાનું અંતિમ પગલું પ્રથમ પ્રયાસમાં અથવા તંત્રની કામગીરી દેખાડવા ન ભરે તે ઇચ્છનીય છે. કારણ કે, પ્રત્યેક ધંધા સાથે ઘણાં પરિવારોની આજીવીકા જોડાયેલી હોય છે. કોઇ ધંધાર્થી દાદાગીરી કરતો હોય અથવા તંત્રની વારંવારની સુચનાનો ભંગ કરી વારંવાર આરોપી બનવાની માનસિકતા ધરાવતો હોય તેવાં ધંધાર્થીને યોગ્ય બોધપાઠ આપવા માટે તેનો ધંધો સીલ કરવામાં આવે તેની સામે કોઇને વાંધો ન હોય. પરંતુ તંત્ર માત્ર સીન જમાવવા માટે અથવા અખબારો અને ચેનલોમાં ચમકવાના મોહને કારણે કોઇનો ધંધો બંધ કરાવે તે કોઇ પણ અર્થમાં વ્યાજબી નથી. આપણે સૌ આશા રાખીએ જામનગરના તંત્રો કોઇ પણ ધંધો બંધ કરાવતા પૂર્વે યોગ્ય નીતિ નિયમો અને માનવતાવાદી અભિગમને ધ્યાનમાં રાખે અને ધંધાર્થીઓ પર બળજબરી ન કરે. નિયમોનું પાલન સૌની જવાબદારી છે. સૌ સહયોગ આપે. પરંતુ તંત્રો વિવેકપૂર્વક નિયમોનું પાલન કરાવે તે પણ જરૂરી છે. ખૂદ પ્રધાનમંત્રી પણ ઇચ્છે છે કે, લોકોની રોજગારી ન છીનવાય. પ્રધાનમંત્રીની આ માનવતાવાદી વિચારસરણીનું જામનગરમાં પણ તંત્રો પાલન કરે તે જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular