જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં આઉટ શોર્સિંગથી ફરજ બજાવતાં આરોગ્ય કર્મચારીઓને અચાનક છુટા કરી દેવામાં આવતાં પુરતા પગાર ભથ્થા ન આપવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આરોગ્ય કર્મચારીઓ જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવા દોડયા હતાં અને તેમને પુન: સ્થાપિત કરવા માગણી કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયત જામનગરની આરોગ્ય શાખામાં આઉટ શોર્સિંગમાં કામ કરતાં પ્રાથમિક આરોગય કેન્દ્ર તથા સામુહીક આરોગ્ય કેન્દ્રમાં 200થી વધારે મેલ તથા ફિમેલ હેલ્થ વર્કર્સ, વોર્ડઆયા અને વોર્ડબોયને કોઇપણ કારણ વગર છૂટા કરવામાં આવ્યા છે.
આ તમામ સ્ટાફે કોરોનાની બીજી લહેર અને કોવિડ વેક્સિનેશનમાં દિન-રાત જોયા વગર જામનગર જિલ્લાની જનતાની અવિરત સેવા કરી છે.
આ તમામ આઉટ શોર્સિંગ એજન્સીના સ્ટાફનો રાજ્ય લેવલ તથા રાજકોટ રિજીયન લેવલથી પણ કોન્ટ્રાકટ રિન્યૂ થયેલ હોવા છતાં કોઇપણ અગમ્ય કારણોસર તેમની ફાઇલ જિલ્લા પંચાયત જામનગરમાં અટવાયેલ પડી છે અને ઓકટોબર મહિનામાં 20 તારીખ સુધી વગર કોન્ટ્રાકટે ફરજ બજાવ્યા બાદ એકાએક આ તમામ કર્મચારીને તમારો કોન્ટ્રાકટ રિન્યૂ નથી થયો તેમ કહી એકી સાથે છુટા કવરામાં આવ્યા અને તમામને બેરોજગાર કરી નાખવામાં આવ્યા હતાં.
આ તમામ કર્મચારી તરફથી જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા અને જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલને રજૂઆત કરી વહેલી તકે ન્યાય આપવા રજૂઆત કરવામાં આવી અને તેમને પુન:સ્થાપિત કરવા માગણી કરી હતી.
એજન્સી દ્વારા કર્મચારીઓને છુટા કરાતાં જિલ્લા પંચાયત પ્રમુખને રજૂઆત
200 થી વધુ કર્મચારીઓને છૂટા કરાતા કર્મચારીઓમાં રોષ: જુના કર્મચારીઓને પુન: પ્રસ્થાપિત કરવા માગણી