સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ દિવસે દિવસે ગરમાઈ રહ્યો છે. શહેરની ગલીઓથી લઈને ગામડાંના ખૂણેખુણા સુધી રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના ટેકેદારો મતદારોને રીઝવવા માટે દોડધામ કરી રહ્યા છે. ડોર-ટુ-ડોર લોકસંપર્ક, શેરી સભાઓ, ખાટલા બેઠક, નારાજ લોકોને મનાવવાની કોશિશ-બધી જ રીતો અજમાવવામાં આવી રહી છે. દરેક ઉમેદવાર પોતાના વિસ્તારના મતદારો સુધી પહોંચવાનો દાવો કરી રહ્યો છે, પરંતુ આ આખી દોડમાં એક નવી સ્પર્ધા પણ ઉભી થઈ છે, સોશિયલ મીડિયામાં વધુ દેખાવાની.
આજના 5G અને સ્માર્ટફોનના યુગમાં પ્રચારની રીતોમાં મોટો ફેરફાર આવ્યો છે. પહેલા જ્યાં લોકો સુધી પહોંચવા માટે વ્યક્તિગત સંપર્ક જરૂરી હતો, ત્યાં હવે મોબાઈલની સ્ક્રીન એ સૌથી મોટું મંચ બની ગયું છે. ઘણા ઉમેદવારો માટે હવે રીલ જ પ્રચારનું મુખ્ય સાધન બની ગયું છે. ફિલ્મી સંગીત, આકર્ષક એડિટિંગ અને નાટકીય એન્ટ્રી સાથે ઉમેદવારને એવો રજૂ કરવામાં આવે છે કે જાણે તે કોઈ ફિલ્મનો નાયક હોય. સોશિયલ મીડિયા એજન્સીઓ અને પેડ કેમ્પેઈન દ્વારા આ ચિત્ર વધુ ચમકદાર બનાવવામાં આવે છે, જ્યાં હકીકત કરતાં દેખાડો વધારે મહત્વનો બની જાય છે.
પરંતુ પ્રશ્ન એ છે કે શું આ રીલમાં દેખાતું બધું જ સાચું હોય છે? શું માત્ર થોડા સેક્ધડના વિડિયોથી કોઈ ઉમેદવારની કાર્યક્ષમતા, તેની લોકસેવાની ભાવના અથવા તેના ઈમાનદારીનું મૂલ્યાંકન કરી શકાય? ઘણીવાર જે ચહેરો સ્ક્રીન પર મસીહા જેવા દેખાય છે, તે જ ચહેરો ચૂંટણી પૂરી થયા બાદ ક્યાંક ગુમ થઈ જાય છે. જેમ ફિલ્મ હિટ થયા બાદ તેનો હીરો ગાયબ થઈ જાય છે તેમ આ રીલ ના હીરો પણ પોતાની ચૂંટણી હીટ થયા બાદ જો ગાયબ થઈ જાય પેડ ચલાવતા સોશિયલ મીડિયા જવાબદાર કે મતદાન કરનાર તે સવાલ જરૂર થાય. મતદારોને સમજાય છે કે તેમણે જે જોયું હતું તે માત્ર પ્રસ્તુુતિ હતી, હકીકત નહીં.
મતદાન કરવું એ માત્ર અધિકાર નથી, પરંતુ એક મોટી જવાબદારી પણ છે. આ જવાબદારી નિભાવતી વખતે સોશિયલ મીડિયા ના ચમકદાર પ્રચારથી દૂર રહીને વિચારવાની જરૂર છે. મત આપતા પહેલા એ જોવું જરૂરી છે કે ઉમેદવાર વાસ્તવમાં વિસ્તાર સાથે કેટલો જોડાયેલો છે, લોકોની વચ્ચે કેટલો રહે છે અને સમસ્યાઓ ઉકેલવા માટે કેટલો સક્રિય છે. જે વ્યક્તિને તમે ઓળખો છો, જેને તમે જરૂર પડે ત્યારે સંપર્ક કરી શકો છો અને જે તમારા પ્રશ્નનોને સમજવાની ક્ષમતા ધરાવે છે, એવો ઉમેદવાર જ સાચા અર્થમાં લોક પ્રતિનિધિ બની શકે.
ઘણા મતદારો ચૂંટણી પછી ફરિયાદ કરે છે કે જીતેલા પ્રતિનિધિ પાંચ વર્ષ સુધી દેખાતા નથી, પરંતુ આ સ્થિતિ પાછળ ક્યાંક પોતાનો નિર્ણય પણ જવાબદાર હોય છે. જેમાં મતદાન ન કરવું યોગ્ય ઉમેદવારને મત ન દેવો કે કોઈની ભલામણથી કોઈ પક્ષ કે ઉમેદવારને મત દેવો. જ્યારે મત આપતી વખતે વ્યક્તિ સોશિયલ મીડિયા પરના પ્રભાવમાં આવી જાય છે, ત્યારે હકીકતને અવગણીને દેખાડાને પસંદ કરી લે છે. આ ભૂલ ન થાય એ માટે જરૂરી છે કે મતદારો પોતાની સમજણ અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે.
આજના સમયમાં ઉમેદવારો માટે સોશિયલ મીડિયા માત્ર સાધન નથી, પરંતુ એક સ્ટેજ બની ગયું છે જ્યાં દરેક પોતાને હીરો તરીકે રજૂ કરવા મથામણ કરે છે. કેમેરા સામે સ્મિત, દિશા બતાવતા લોકો અને ડાયરેક્ટરની જેમ સૂચનાઓ આપતા ટીમ સભ્યો, આ બધું મળીને એક એવું દ્રશ્ય બનાવે છે જે આકર્ષક તો લાગે છે, પરંતુ હંમેશા સાચું નથી હોતું. આ નાટકીયતા પાછળની હકીકતને સમજવી એ મતદારોની જવાબદારી છે.
અંતમાં, સમય આવી ગયો છે કે મતદારો રીલ અને રિયલ વચ્ચેનો ફરક સમજે. માત્ર મોબાઈલમાં દેખાતા ચમકદાર વિડિયો પરથી પ્રભાવિત થવાને બદલે, પોતાના વિસ્તાર માટે કામ કરનાર અને લોકો વચ્ચે રહેતા ઉમેદવારને ઓળખે. કારણ કે ચૂંટણી એક દિવસની ઘટના નથી, તેનો અસર પાંચ વર્ષ સુધી રહેવાનો છે. તેથી નિર્ણય પણ એવો જ હોવો જોઈએ જે લાંબા ગાળે વિસ્તારના હિતમાં હોય.
મતદાન અવશ્ય કરવું જોઈએ, પરંતુ સમજદારીપૂર્વક. ચમકદાર રીલ નહીં, રીલ બનાવવા વ્યસ્ત રહેતા નાટકીય ઉમેદવારો કરતા રિયલમાં લોક સેવામાં વ્યસ્ત રહેતા લોક સેવામાં વ્યસ્ત રહેતા ઉમેદવારોને ઓળખજો અને એવા જ ઉમેદવાર પસંદ કરજો, એવું ના બને કે મોબાઈલ દ્વારા પ્રચાર કરતા રીલના હીરો મોબાઈલ પણ ન ઉઠાવે અને બાદ સોશિયલ મીડિયામાં પણ તેને શોધવા પડે તેની કાળજી મતદારોએ લેવી જોઈએ.
રીલ જોઈને નહીં, રિયલિટી જોઈને પસંદ કરો, સોશિયલ મીડિયાની ચમકમાં નહીં, સચ્ચાઈની ઝલકમાં મત આપજો, નહીં તો ભરમાઈ જશો અને પછી ભરાઈ જશો! પછી વિસ્તારની તો સમસ્યા રહેશે જ પરંતુ લોક પ્રતિનિધિ ને શોધવાની પણ બીજી સમસ્યા થશે. વિસ્તારમાં સમસ્યા હોય તો જીતેલા ઉમેદવારને કહી શકાય પરંતુ જીતેલા ઉમેદવાર જ ન હોય તો એ સમસ્યા કોને કહેશો? સોશિયલ મીડિયામાં રીલ જોઈને મતદાન કર્યા બાદ સોશિયલ મીડિયામાં જ પોતાનો રોષ વ્યક્ત કરીને ભળાસ કાઢવી પડશે પરંતુ તેનાથી વિસ્તારની નહી સમસ્યા દૂર થાય, નહીં વિસ્તારના કામ થવાના. તે માટે રીલ અને રિયલ વચ્ચેનો તફાવત સમજી પારખી અને પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને યોગ્ય નિર્ણય કરી મતદાન કરવું.


