ભાટીયા ગામમાં જૂની અદાવતને લઇ એક યુવકના ઘરે જઈ ગાળો આપી, તોડફોડ કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ કલ્યાણપુર પોલીસ મથકે નોંધાયો છે. આ ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ભાટીયા ગામના શંકરટેકરી વિસ્તારમાં રહેતા પ્રકાશભાઇ હમીરભાઇ ભાંભીને તા. 14 એપ્રિલના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં આરોપીના સંબંધી સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, ત્યારે પ્રકાશભાઇ અને તેમના પિતાએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું.
આ સમાધાનની વાતનું મનદુખ રાખી પોરબંદર જિલ્લાના ફટાણા ગામનો આરોપી મહેશભાઇ રામાભાઇ બથવાર લાકડાનો ધોકો લઈને પ્રકાશભાઇના ઘરે ગત તા. 21ના રોજ સાંજના સમયે પહોંચ્યો હતો. આરોપીએ ત્યાં જઈને ફરિયાદી તથા સાહેદોને બિભત્સ ગાળો આપી હતી અને હાથમાં રહેલા ધોકા વડે મકાનની બારીના કાચ તોડી નાખ્યા હતા, જેનાથી આશરે રૂ. 5000નું નુકસાન થયું હતું. આરોપીએ જતાં-જતાં ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ બનાવ અંગે પ્રકાશભાઇ ભાંભીની જાણના આધારે કલ્યાણપુર પોલીસે આરોપી મહેશ બથવાર વિરુદ્ધ બી.એન.એસ. કલમ-324(4), 352, 351(2) તથા જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ એ.એસ.આઈ. ભિમશીભાઇ આર. કાગડીયા ચલાવી રહ્યા છે. આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


