શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાકટય ઉત્સવ નિમિતે આજે જામનગરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આજે સવારે પ્રભાતફેરી તથા તિલકના દર્શન યોજાયા બાદ સાંજે શોભાયાત્રા યોજાશે.

ચૈત્ર વદ 11 અખંડ ભૂમંડલાચાર્યવર્ય જગદગુરૂ વલ્લભાચાર્ય મહાપ્રુભજીના 548માં પ્રાકટય ઉત્સવની આજરોજ જામનગરમાં ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિતે આજે સાંજે પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં મોટી હવેલીથી આ વાહન સાથેની પ્રભાતફેરીનો પ્રારંભ થયો હતો. જે સેતાવાડ, ખંભાળિયા ગેઇટ, સુમેર કલબ રોડ, સાત રસ્તા સર્કલ, જિલ્લા પંચાયત ભવન, ટાઉનહોલ, તીનબતી, બેડીગેઇટ, નાગનાથ ગેઇટ, હવેલીની ગૌ શાળા સહિતના રાજમાર્ગો પર ફરી મહાપ્રભુજીની બેઠક ખાતે પૂર્ણ થઇ હતી. જેમાં વૈષ્ણવો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. બપોરે 12 વાગ્યે રાજભોગ આરતી તિલકના દર્શન યોજાયા હતા.
આ ઉપરાંત સાંજે 6 વાગ્યે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મોટી હવેલી ખાતેથી પ્રસ્થાન કરી વાણિયાવાડ, ચાંદીબજાર, માંડવી ટાવર, હવાઇચોક, સત્યનારાયણ મંદિર, આકાશગંગા એપાર્ટમેન્ટ, જલાની જાર થઇ મોટી હવેલી ઉત્સવ નાયક ચિત્રજી પૂજન સાથે વિરામ લેશે. આ ધાર્મિક કાર્યક્રમોને લઇ વૈષ્ણવ સમાજમાં અનેરો ઉત્સાહ છવાયો છે.