રાજ્યના ગૃહમંત્રી તેમજ રાજ્યના ડી.જી. દ્વારા અસામાજિક તત્વોને ભરી પીવા માટે સ્થાનિક જિલ્લા પ્રશાસનને આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા વિવિધ દિશાઓમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત 100 કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલાક તોફાની તેમજ અનિષ્ટ ફેલાવતા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ વચ્ચે ગઈકાલે રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકના જિલ્લા એસપી નિતેશ પાંડેયના વડપણ હેઠળ એલસીબી, એસઓજી, ટ્રાફિક પોલીસ સહિતની ટીમો દ્વારા સધન નાઈટ કોમ્બિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આશરે 30 થી વધુ જુદા જુદા વાહનોને ડિટેઈન કરી અને કાયદાકીય કાર્યવાહી કરાઈ હતી.
જિલ્લાના સંવેદનશીલ મનાતા દરિયાકાંઠાના વિસ્તારો સલાયા, દ્વારકા, ભાણવડ વિગેરે સ્થળોએ પોલીસ તેમજ અન્ય એજન્સીઓની ટીમ દ્વારા કોમ્બિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા એસ.પી. નિતેશ પાંડેય દ્વારા જણાવાયું છે. પોલીસની આ સધન કાર્યવાહીથી ગુનાહિત તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.